અમરનાથ ગુફા સુધી ગાડી લઈને જઈ શકાશે, BROએ છેક ગુફા સુધી જવાનો રોડ બનાવ્યો, કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રાળુઓને આપી મોટી ભેટ

bro-amarnath

મહેબુબા મુફ્તીની પાર્ટીના PDP પ્રમુખે કર્યો વિરોધ, તેમણે આ બાબતને ગણાવી પ્રકૃતિ વિરુદ્ધ
રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોર્ટ બનાવવા નિંદાનો વિષયઃ મોહિત ભાન

હિંદુઓનાં સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ પૈકીના એક ગણાતા અમરનાથમાં હવે દર્શન માટે કોઈ હાલાકી ભોગવવાનો વારો નહીં આવે. અમરનાથ યાત્રા માટે હવે નહીં ભોગવવી પડે હાલાકી. કારણ કે અમરનાથ યાત્રા જનારા શ્રદ્ધાળુઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. યાત્રિકો હવે છેક બાબા અમરનાથની ગુફા સુધી વાહનો જઈ શકશે. ગુફા સુધી જતા પહાડી માર્ગને પહોળો કરાતા અમરનાથ યાત્રાળુઓને મોટી રાહત થઈ છે. BROએ (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન) છેક ગુફા સુધીનો રોડ બનાવ્યો છે. ભારતીય સેનાનું બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) છેક અમરનાથ ગુફા સુધી વાહનોનો કાફલો લઈ ગઈ હોવાની તસવીરો પણ સામે આવી છે. અમરનાથ ગુફા સુધી વાહનો પહોંચ્યા હોય તેવું પ્રથમવાર બન્યું છે. મીડિયા અહેવાલો મુજબ પવિત્ર અમરનાથ ગુફા સુધી રોડ પહોળો કરવાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. આ પહેલાં અમરનાથ ગુફામાં બાબા અમરનાથના દર્શન માટે ઘણી હાલાકી ભોગવવી પડતી હતી. ખૂબ જ જોખમી અને પહાડી રસ્તા સાથે સફર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે ગુફા સુધીનો પહોળો રોડ યાત્રાળુઓ માટે વરદાનરૂપ સાબિત થશે.

જોકે મહેબુબા મુફ્તીની પાર્ટીના PDP પ્રમુખ અમરનાથ ગુફા સુધી રોડ પહોળો કરવાની બાબતનો વિરોધ કરી રહ્યા છે. પીડીપી પ્રવક્તાએ કહ્યું કે, ‘આ હિન્દુ ધર્મ અને પ્રકૃતિમાં આસ્થા વિરુદ્ધ સૌથી મોટો અપરાધ છે. હિન્દુ ધર્મ સંપૂર્ણ આધ્યત્મિક અને પ્રકૃતિ સાથે જોડાયેલી છે. પીડીપીએ તેને વિનાશ અને હિન્દુઓ વિરુદ્ધ સૌથી મોટો અપરાધ કહી ટીકા કરી છે.’ તેમણે આ બાબતને પ્રકૃતિ વિરુદ્ધની ગણાવી છે.

પીડીપી પ્રવક્તા મોહિત ભાને એક્સ પર લખ્યું કે, ‘હિન્દુઓ વિરુદ્ધ સૌથી મોટો અપરાધ થયો છે. આ ધર્મ આપણને પ્રકૃતિમાં લીન કરી દે છે. આ જ કારણે આપણાં પવિત્ર સ્થળો હિમાલયની ગોદમાં છે. રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોર્ટ બનાવવા નિંદાનો વિષય છે. આપણે જોશીમઠ, કેદારનાથમાં ભગવાનનો પ્રકોપ જોયો છે, તેમ છતાં આમાંથી કંઈપણ શીખતા નથી અને કાશ્મીરમાં વિનાશને આમંત્રણ આપી રહ્યા છે.’

તો ભાજપે પણ પીડીપી પ્રવક્તાઓને સામે જવાબ આપતા કહ્યું કે, લોકો સમજદાર છે, તેઓ છેતરપિંડીના રાજકારણનો શિકાર નહીં બને. ભાજપે એક્સ પર લખ્યું છે કે, પીડીપી વિરોધ કરી અને રોડ બાંધકામમાં ખામીઓ શોધી 2008ના જમીન વિવાદને ફરી ચગાવવાનો પ્રયાસ કરી રહી છે, જોકે લોકો ઘણા સમજદાર છે અને તેઓ ફરી રાજકીય છેતરપિંડીનો શિકાર નહીં બને.