ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 4159 યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરાયા

bhupendrabhai-patel

પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા 3,014 તલાટી કમ મંત્રી, 998 જુનિયર ક્લાર્ક, 72 નાયબ સેક્શન ઓફિસર, 58 અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા 17 હવાલદાર મળીને કુલ 4,159 નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂંકના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવતા યુવાનોમાં ખુશી છવાઇ છે. જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂંક પામી રહેલા કર્મયોગીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે ઊંચા લક્ષ્ય, નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પ્રતિબદ્ધ રહેવાની શીખ આપતા કહ્યું કે, તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બનવાની પ્રેરણા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા નવનિયુક્ત કર્મીઓને આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરાયું હતું. આ પ્રસંગે ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય મતી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મતી શિલ્પાબેન પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, પંચાયત વિભાગના અગ્ર સચિવ સંદીપ કુમાર, અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયા, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ, સભ્ય રાજિકાબેન કચેરીયા અને નીતાબેન સેવક સહિત પસંદગી પામેલા ઉમેદવારો અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જન સેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પારદર્શી અને અસરકારક કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરીને ગુડ ગવર્નન્સનું મોડેલ આપ્યું છે. ગુજરાતની આ ગુડ ગવર્નન્સ અગ્રેસરતાથી વિકાસની ગતિ વધુ સારી રીતે આગળ લઈ જવામાં પંચાયત સેવાના પાયાના કર્મચારી તરીકે નવનિયુક્ત કર્મયોગીઓની જવાબદારીઓ વિશેષ છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના શુભેચ્છા પત્રનો મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ઉલ્લેખ કરતાં કહ્યું કે, વિકાસ, સુશાસન અને શ્રેષ્ઠતાની ત્રિવેણીથી રાષ્ટ્ર અને રાજ્યની ગૌરવ-પ્રતિષ્ઠા સતત વધારવામાં આ યુવા શક્તિના ઉમંગ, જોશ અને નવી ચેતનાસભર વિચારો ઉપયુક્ત બનશે. ગામડાના લોકો સુધી હોસ્પિટલ પહોંચાડી છે. હોસ્પિટલમાં સારામાં સારી સુવિધા મળે તેમ કર્યુ છે. વિનામૂલ્યે, સસ્તા દરે સારવાર મળે તેવી યોજના આપી છે. નરેન્દ્રભાઇની સારામાં સારી યોજના આયુષ્યમાન ભારત છે. સરકારી યોજનાઓનો લાભ સિમિત લોકો લેતા હતા. લોકોને ખબર નહોતી કઇ યોજના છે, કઇ યોજનાનો લાભ લેવો. ત્યારે લોકો સુધી યોજનાઓ પહોંચે તે માટે પણ કામ કર્યુ છે.

આ પ્રસંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલનો ઉલ્લેખ થતાંજ નવી નિમણૂંક પામેલા યુવાઓએ તાળીથી વધાવ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ હળવી શૈલીમાં જણાવ્યું હતું કે હસમુખભાઈનું નામ પડે એટલે તાળીઓ પાડવાનું મન થઇ જાય…સેવા કેવી રીતે કરવી જોઇએ એ તમને બધાને એકલી તાળીઓ પાડવાથી નહીં ચાલે..જીવનમાં ઉતારવું પડશે કે તમારા માટે કોઇક ક્યારે તાળી પાડે. એ સેવાનો અવસર આજે તમને મળવા જઇ રહ્યો છે. તમારે પણ સેવા એવી રીતે બજાવવી પડશે.

મુખ્યમંત્રીએ નવી નિમણૂંક મેળવી રહેલા આ યુવા કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા અને નવી નિમણૂંક મેળવી રહેલા 4,159 જેટલા યુવાઓને નાનામાં નાના-છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાની કામગીરી કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય, શિક્ષણ સહિત સમાજ કલ્યાણની દરેક યોજનાઓથી છેવાડાના માનવી અને જરૂરત મંદ લોકોને 100 ટકા આવરી લેવાનાં આપેલા સેચ્યુરેશન પોઇન્ટના લક્ષ્યાંકને પાર પાડવાનું સેવા દાયિત્વ આ નવ યુવા કર્મીઓએ નિભાવવાનું છે.