મોઇત્રાએ માત્ર તપાસ દરમિયાન જવાબ આપવાથી બચવા માટે હોબાળો કર્યોઃ વિનોદ સોનકરે

vinod-sonkar

મહુઆ મોઈત્રાએ ગંદા સવાલો પૂછવાના આરોપ બાદ સમિતિનાં અધ્યક્ષે સ્પષ્ટતા કરી કહ્યું કે, “જવાબ આપવાની જગ્યાએ તેઓ ગુસ્સે થઈ ગયાં અને અધ્યક્ષ તેમજ સમિતિના સભ્યો માટે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો. “

સમિતિ મળશે અને આ પ્રકારના અસંસદીય વ્યવહાર માટે આગળની કાર્યવાહી પર નિર્ણય લેશે.

પૈસા લઈને સવાલ પૂછવા મામલે ગુરુવારે TMC સાંસદ મહુઆ મોઇત્રાની લોકસભાની એથિક્સ કમિટીએ પૂછપરછ કરી હતી. 3.35 વાગ્યે એથિક્સ કમિટીના કાર્યાલયમાંથી મહુઆ મોઇત્રા, દાનિશ અલી અને અન્ય વિપક્ષી સાંસદો ગુસ્સે થઈને બહાર નીકળી ગયાં. જ્યારે તેમને ગુસ્સાનું કારણ પૂછવામાં આવ્યું તો દાનિશ અલીએ કહ્યું – ચેરમેન પૂછે છે કે તે રાત્રે કોની સાથે વાત કરે છે, શું વાત કરે છે. આ કેવી એથિક્સ કમિટી છે, જે અનૈતિક પ્રશ્નો પૂછે છે?

મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તો હવે TMC નેતાના આરોપ પર વિનોદ સોનકરનો જવાબ આવ્યો છે. સોનકરે કહ્યું કે- મહુઆ મોઇત્રાએ માત્ર તપાસ દરમિયાન જવાબ આપવાથી બચવા માટે હોબાળો કર્યો હતો. વિનોદ સોનકરે શુક્રવારે બપોરે સંવાદદાતાઓને કહ્યું કે મહુઆ મોઇત્રાને માત્ર આરોપોથી જોડાયેલા સવાલ પૂછવામાં આવ્યા હતા. તે પછી હીરાનંદાનીની એફિડેવિટ હોયકે નિશિકાંત દુબેનું આવેદન. અને તેમને તે વાતનો અધિકાર હતો કે તેઓ ઈચ્છે તે સવાલનો જવાબ આપી શકતા હતા અને જેનો જવાબ આપવા ન માગતા હોય તેણે ટાળી શક્યા હોત. પરંતું આવું કરવાની બદલે મહુઆએ માત્ર તપાસમાં અડચણ ઊભી કરવા માટે આ હોબાળો ઊભો કર્યો. તેમણે એથિક્સ કમિટીના અધ્યક્ષો અને સભ્યો માટે જે પ્રકારના શબ્દોનો ઉપયો કર્યો તે એક સાંસદ કે એક મહિલાને શોભા નથી દેતા. તેઓ જવાબ આપવાથી બચવા માંગતા હતાં અને તપાસમાં અડચણ ઊભી કરવા માંગતા હતાં.

મહુઆ મોઇત્રાએ વ્યક્તિગત અને અનૈતિક તેમજ ગંદા સવાલ પૂછવાનો પેનલના અધ્યક્ષો પર આરોપ લગાવ્યો હતો. મોઇત્રાએ કહ્યું હતુ કે આ કયા પ્રકારની બેઠક હતી? તેઓ દરેક પ્રકારના ગંદા સવાલો પૂછી રહ્યાં હતા. તેઓ કંઈ પણ બકવાસ કરી રહ્યાં હતા. જે બાદ મોઇત્રાએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર લખીને આરોપ લગાવ્યો કે પૈસા લઈને સવાલ પૂછવાના અંગેના આરોપને લઈને એથિક્સ કમિટી સમક્ષ તે રજૂ થઈ હતી આ દરમિયાન તેમની સાથે અનૈતિક, અશોભનિય, પૂર્વાગ્રહપૂર્ણ વ્યવહાર કરાયો હતો.

મોઇત્રાએ પત્રમાં લખ્યું હતુ કે હું આજે ઘણી જ વ્યથિત થઈને તમને પત્ર લખી રહી છું કે જેથી તમને એથિક્સ કમિટીની સુનાવણી દરમિયાન સમિતિના અધ્યક્ષ દ્વારા મારી સાથે કરેલા અનૈતિક, ધૃણિત અને પૂર્વાગ્રહપૂર્ણ વ્યવહાર અંગે જાણકારી આપી શકું. રુઢિપ્રયોગની ભાષામાં કહું તો તેમણે સમિતિના તમામ સભ્યોની હાજરીમાં મારું વસ્ત્રાહરણ કર્યું.

તેમણે કહ્યું- સમિતિએ પોતાને આચાર સમિતિ સિવાય અન્ય કોઈ નામ આપવું જોઈએ કેમકે તેમાં કોઈ આચાર અને નૈતિકતા રહી નથી. વિષયને લગત પ્રશ્નો પૂછવાને બદલે અધ્યક્ષે દુર્ભાવનાપૂર્ણ અને સ્પષ્ટ રીતે અપમાનજનક રીતે મને સવાલો કર્યા. આ દરમિયાન હાજર 11 સભ્યોમાંથી પાંચ લોકોએ તે સવાલનો વિરોધ કરતા મારી સાથે બહિષ્કાર કર્યો હતો.

ગુરુવારની સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં સોનકરે કહ્યું હતું કે- અધ્યક્ષ તેમજ સભ્યો વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરાયો. તેમણે કહ્યું- જવાબ આપવાની જગ્યાએ તેઓ ગુસ્સે થઈ ગયાં અને અધ્યક્ષ તેમજ સમિતિના સભ્યો માટે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો. દાનિશ અલી, ગિરધારી યાદવ સહિત અન્ય વિપક્ષી સાંસદોએ સમિતિ પર આરોપ લગાડવાનો પ્રયાસ કર્યો અને વૉકઆઉટ કર્યું. સમિતિ મળશે અને આ પ્રકારના અસંસદીય વ્યવહાર માટે આગળની કાર્યવાહી પર નિર્ણય લેશે.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એક્સ પર વિનોદ સોનકર પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું અને દાવો કર્યો કે વિનોદ કુમારને બિહારી ગુંડા અને ઝારખંડી કુતરો જેવા અપમાનજનક નામોથી બોલાવવામાં આવ્યા હતા. ભાજપના સાંસદ દુબેએ લખ્યું- અનુસૂચિત જાતિથી આવતા એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરજી જે કમિટીમાં ગાળા ગાળી, સંસદમાં હરામી સાંસદોનું કહેવું, બિહારી ગુંડા, ઝારખંડી કુતરા જો રાષ્ટ્રીય સુરક્ષાને ભ્રષ્ટાચારના થોડા પૈસા માટે વેચનારા મહુઆજીને મહિલા હોવાનું પ્રમાણ છે તો તેમના ભ્રષ્ટાચારને મદદ કરનારાઓ વિપક્ષી સાંસદોને પ્રણામ. ઓછામાં ઓછું વિક્ટિમ કાર્ડ તો યોગ્ય રીતે રમો.

શું છે સમગ્ર મામલો
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ 15 ઓક્ટોબરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. જેમાં તેણે મહુઆ પર આરોપ લગાવ્યો હતો કે મહુઆએ સંસદમાં સવાલ પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને ગિફ્ટ લીધી હતી. સ્પીકરે આ મામલો એથિક્સ કમિટીને મોકલ્યો હતો.

નિશિકાંતે 21 ઓક્ટોબરે મહુઆ પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો હતો. નિશિકાંતે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું – એક સાંસદે કેટલાક પૈસા માટે દેશની સુરક્ષા ગીરવે મૂકી. મેં આ અંગે લોકપાલને ફરિયાદ કરી છે.

તેમણે કહ્યું કે સંસદનું ID દુબઈથી ખોલવામાં આવ્યું હતું, જ્યારે તે સમયે કથિત સાંસદ ભારતમાં હતા. સમગ્ર ભારત સરકાર આ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) પર છે. દેશના વડાપ્રધાન, નાણા વિભાગ, કેન્દ્રીય એજન્સીઓ અહીં છે. શું ટીએમસી અને વિરોધ પક્ષોએ હજુ પણ રાજનીતિ કરવાની છે? નિર્ણય જનતાનો છે. NICએ આ માહિતી તપાસ એજન્સીને આપી છે.

એથિક્સ કમિટીએ 27 ઓક્ટોબરે મહુઆને સમન્સ મોકલ્યું હતું અને તેમને 31 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે સમિતિ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. મહુઆએ એ જ દિવસે એથિક્સ કમિટીને પત્ર લખ્યો હતો કે તે 5 નવેમ્બર પછી જ હાજર રહી શકશે. 28 ઓક્ટોબરના રોજ, એથિક્સ કમિટીએ મહુઆને 2 નવેમ્બરે તેમની સામે હાજર થવા કહ્યું હતું.