કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય, EDએ દારૂનીતિ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા

kejriwal

અરવિદ કેજરીવાલે EDને જવાબ મોકલીને કહ્યું હતું કે આ નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે
કેજરીવાલ આજે MPના સિંગરોલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે સભા કરશે

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને EDએ લીકર પોલીસી કેસને લઈને 30 ઓક્ટોબરે સમન્સ મોકલ્યું હતુ અને આજે પૂછપરછ માટે બોલાવ્યા હતા, જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થશે નહીં. AAP સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રેલીમાં હાજરી આપવાના છે.

આ અંગે આજે સવારે 9 વાગે કેજરીવાલે EDને જવાબ મોકલીને કહ્યું હતું કે આ નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. કેજરીવાલે કહ્યું કે આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે, જેથી તેમને ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જતા રોકી શકાય. EDએ આ નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.

લિકર પોલિસી કેસમાં તપાસ એજન્સી ED આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવાની હતી. પૂછપરછ માટે જતા પહેલાં કેજરીવાલે EDને જવાબ આપ્યો હતો કે આ નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. હું ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું તેની ખાતરી કરવા માટે આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે. EDએ આ નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ. કેજરીવાલ આજે 10 વાગે રાજઘાટ જાય તેવી શક્યતા હતી. જેને લઈને રાજઘાટ પર પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.

આ કેસમાં કેજરીવાલની સીબીઆઈ દ્વારા એપ્રિલમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહ દારૂ નીતિ કેસમાં જેલમાં છે.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મંગળવારે દાવો કર્યો હતો કે EDએ 2 નવેમ્બરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે નથી બોલાવ્યા પરંતુ તેમની ધરપકડ કરવા માટે બોલાવ્યા છે. કારણ કે માદીજી આપ પાર્ટીને ખતમ કરી દેવા ઈચ્છે છે, મોદીજી કેજરીવાલથી ડરી ગયા છે. કેજરીવાલ બાદ ભારત ગઠબંધનના અન્ય નેતાઓની પણ ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ ઝારખંડના સીએમ હેમંત સોરેન, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, કેરળના સીએમ પી વિજયન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને બંગાળના સીએમ મમતા બેનર્જી છે.

વાસ્તવમાં ED લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસની તપાસ કરી રહી છે. ચર્ચા છે કે કેજરીવાલને સમન્સ મોકલતા પહેલા તપાસ એજન્સીએ પુરાવા એકત્ર કરી લીધા છે. આ કેસમાં તપાસ એજન્સીએ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. આજે EDએ AAP સરકારના અન્ય મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા છે. જોકે, આ દરોડા કસ્ટમ કેસ સાથે સંબંધિત છે.