ઇઝરાયેલે ગાઝા પર કરેલા હવાઈ હુમલામાં આતંકી નિસામ અબૂ અઝિના ઠાર, અબૂ અઝિનાને હવાઈ હુમલાનો જાણકાર માનવામાં આવતો હતો
ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે તેમણે ગાઝા પર કરેલા હવાઈ હુમલામાં હમાસના તે કમાન્ડરને ઠાર કર્યો છે જેણે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનું નેતૃત્વ કર્યું હતું. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે નિવેદન જાહેર કરી જણાવ્યું કે તેમણે હમાસના બેટ લાહિયા બટાલિયનના કમાન્ડરને ઠાર કર્યો છે, જેણે હુમલાનું નેતૃત્વ કર્યું હતું. ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના રિપોર્ટ મુજબ હુમલા સમયે કમાન્ડ આપનાર આતંકીનું નામ નિસામ અબૂ અઝિના છે અને તેણે ઠાર કરાયો છે. અબૂ અઝિનાને હવાઈ હુમલાનો જાણકાર માનવામાં આવતો હતો. તે પહેલા પણ ઇઝરાયેલ વિરુદ્ધ અનેક હુમલાઓમાં સંડોવાયેલો હતો.
સોમવારથી જ ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ અટેક શરુ કરી દીધા છે. જે અંતર્ગત તેઓ ટેન્ક વડે હુમલાઓ કરી રહ્યાં છે. આ દરમિયાન ઇઝરાયેલી સેનાએ પોતાના એક સૈનિકને પણ હમાસના કબજામાંથી મુક્ત કરાવ્યો છે. જો કે આ હુમલા પછી હમાસનો સામનો કરવો એક પડકારરુપ છે. તેનું કારણ છે કે હમાસના આતંકીઓ ટનલમાં છુપાઈ રહ્યાં છે. આ માટે હમાસના આતંકીઓએ સામાન્ય નાગરિકોની પણ ચિંતા નથી કરી. હમાસનું કહેવું છે કે આ ટનલ અમારા યૌદ્ધાઓને બચાવવા માટે છે. ગાઝા પટ્ટીમાં રહેતા લોકોના રક્ષણ માટે યુએનએ આગળ આવવું જોઈએ.
ઇઝરાયેલી સેનાએ કહ્યું કે- અબૂ અઝિના ઠાર થવાથી હમાસ નબળું પડ્યું છે. હવે તેઓ ઇઝરાયેલની સેના દ્વારા કરવામાં આવતા જમીની હુમલાનો જવાબ આપવામાં સક્ષમ નહીં હોય. આ વચ્ચે ગાઝા પટ્ટીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે- ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 10 હજાર લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ઇઝરાયેલના પણ 1400 લોકોન મોતની પુષ્ટિ થઈ છે. એટલું જ નહીં 250 લોકો હજુ પણ હમાસની કેદમાં છે.
આ યુદ્ધે વિશ્વને બે ભાગમાં વહેંચી દીધું છે. આરબ દેશ, ચીન અને રશિયા જેવા દેશ પેલેસ્ટાઈનના સમર્થનમાંછે તો અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અઅને જર્મની જેવા પશ્ચિમી દેશો ઇઝરાયેલને લઈને કહી રહ્યાં છે કે તેમણે પોતાની રક્ષાનો કરવાનો હક છે. આ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સીઝફાયરની માગ ફગાવી દીધી છે.તેમનું કહેવું છે કે જો અમે આ તબક્કે સીઝફાયર કર્યું તો આ હમાસની આગળ સરેન્ડર કરવા જેવું હશે અને ઇઝરાયેલ આવું ક્યારેય નહીં કરે. મહત્વપૂર્ણ છે કે ઇઝરાયેલને હમાસ ઉપરાંત લેબનોનની ધરતી પર સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સામે પણ લડી રહ્યું છે.