કોંગ્રેસ નેતા સચિન પાયલોટના થયા છૂટાછેડા, ચૂંટણી એફિડેવિટમાં થયો ખુલાસો

sachin-sara

ચૂંટણી એફિડેવિટમાં તેમણે ખુદને ડિવોર્સી બતાવ્યા
19 વર્ષ પહેલા ફારુખ અબ્દુલ્લાની દીકરી સારા સાથે થયા હતા લગ્ન

રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય સચિન પાઇલટ હવે પત્ની સારા પાઇલટથી અલગ થઈ ગયા છે. સચિન પાઇલટ અને સારા પાઇલટ વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. બંને વચ્ચે તલાકનો ખુલાસો સચિન પાયલટના ચૂંટણી સોગંદનામાથી થયો છે.

આ મહિને 25 નવેમ્બરે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના નેતા સચિન પાયલટે આજે ટોંક વિધાનસભા સીટ પરથી ઉમેદવારી પત્રક ભર્યું. આ ચૂંટણી એફિડેવિટમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે સચિન પાયલટે પોતાને ડિવોર્સી ગણાવ્યા છે. ટોંક વિધાનસભા સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભરવા સમયે જે એફિડેવિટ સચિન પાયલટે આપ્યું તેમાં તેણે પોતાની પત્નીના નામની આગળ ડિવોર્સી લખ્યું છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં સચિન પાયલટ પોતાની એફિડેવિટમાં સારા પાયલટનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે તેની સંપત્તિની જાણકારી પણ આપી હતી. જો કે 2023ના એફિડેવિટમાં તેણે પોતાને ડિવોર્સી ગણાવ્યા છે.સચિન અને સારાના બે બાળકો છે- આરાન અને વેહાન.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2004માં સારા અને સચિનના લગ્ન થયા હતા. સારાના પરિવાર એટલે કે અબ્દુલ્લા પરિવારે આ લગ્નનો બહિષ્કાર કર્યો હતો. આ લગ્નમાં સચિનના હિન્દુ અને સારાના મુસ્લિમ હોવા અંગે મોટી સમસ્યા ઉભી થઈ હતી. આ લગ્નમાં ખુબ ઓછા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સચિન અને સારા બંનેનો પરિવાર રાજનીતિમાં સક્રિય રહ્યો છે. સચિન પાયલટ દિવંગત કોંગ્રેસ નેતા રાજેશ પાયલટના દીકરા છે. ત્યારે, સારા જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની દીકરી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. સારાના દાદા શેખ અબ્દુલ્લા ખુદ એક લોકપ્રિય નેતા હતા.

ટોંક વિધાનસભા બેઠકથી નામાંકન કર્યા બાદ સચિન પાયલટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ મને કહ્યું કે, જૂની તમામ વાતોને ભૂલી જાઓ અને તમામને માફ કરીને આગળ વધો. હું હવે આ લાઈન પર આગળ વધી રહ્યો છું. અહીં કોઈનું કોઈ જૂથી નથી બન્યું. રાજસ્થાનમાં માત્ર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેનું જ જૂથ છે.

આપને જણાવી દઈએ કે, સચિન પાયલટે વર્ષ 2018માં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન સોગંદનામામાં પત્નીના નામ આગળ સારા પાયલટનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે તેમણે એફિડેવિટમાં પત્ની સારાની સંપત્તિની માહિતી પણ આપી હતી. નામાંકનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં સચિન પાયલટની સંપત્તિ લગભગ બે ગણી થઈ ગઈ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં સચિન પાયલટે પોતાની સંપત્તિ 3.8 કરોડ રૂપિયા બતાવી હતી, જ્યારે આ વખતે નામાંકનમાં તેમણે પોતાની 7.5 કરોડની સંપત્તિ બતાવી છે.

સચિન પાયલટ અને સારા અલગ થયા હોવાની ચર્ચા પહેલા પણ થઈ હતી. 9 વર્ષ પહેલા આ બંનેએ અલગ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં સચિન પાયલટ અને સારા અલગ થયા હોવાની ચર્ચા હતી પરંતુ તે સમયે આ વાતને માત્ર અફવા ગણાવીને ફગાવી દેવાઈ હતી.