ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમ્યાન રોહિત શર્માએ પૂરા કર્યા 18000 રન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ લખનૌમાં ઈંગ્લેન્ડ સામે દમદાર બેટિંગ કરી હતી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. તેણે મેચમાં કુલ 87 રન બનાવ્યા હતા અને માત્ર 13 રન માટે સદી ચૂકી ગયો હતો. છતાં તેણે આ મેચમાં બે રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો હતો.
રવિવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની રમાયેલ આ મેચમાં ભારતીય કેપ્ટન રોહીત શર્માએ શાનદાર 87 રન બનાવ્યા હતા. રોહીતે આ મેચમાં જ્યારે 48 રન બનાવ્યા ત્યારે તેની સાથે જ રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનાં 18 હજાર રન પૂરા કરી લીધા છે. રોહિતે પોતાની 457મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ક્લબમાં સામેલ થઈ ગયો છે. આ ક્લબમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીના નામ છે. તેમજ 18000 રન બનાવનાર વિશ્વનો 20 મો બેટ્સમેન બની ગયો હતો.
રોહિત શર્મા બન્યો 100 મેચમાં કેપ્ટનશિપ કરનારો સાતમો ખેલાડી
રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર સાતમો એવો કેપ્ટન બની ગયો છે જેણે 100 કે તેથી વધુ મેચમાં ભારતીય ટીમ માટે કેપ્ટનશીપ કરી છે. રોહિત શર્માએ ભારત માટે 51 T20I, 39 ODI અને 9 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી છે. રોહિતનો રેકોર્ડ કેપ્ટન તરીકે ખુબ સારો રહ્યો છે. ODI World Cup 2023માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પહેલા રોહિતે કુલ 99 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. આ 99 મેચોમાંથી ભારતે 77 મેચમાં જીત મેળવી છે. અન્ય કોઈ ભારતીય કેપ્ટનની જીતની ટકાવારી આટલી નથી. એમએસ ધોનીએ સૌથી વધુ 332 મેચમાં કેપ્ટનશિપ કરી છે.