ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ઢાળ ઊતરતાં બસની બ્રેક ફેઇલ થતાં બસ પલટી ગઈ હતી
રાજ્યમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં SRP જવાનોને લઈને જતી બસ અચાનક પલટી ગઈ હતી. પંચમહાલમાં હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતાં 30થી વધુ SRP જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે, જે પૈકી 04 જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે.
આ અંગેની માહિતી અનુસાર, પંચમહાલમાં હાલોલના ભીખાપુરા પાસે SRP જવાનોની ગાડી પલટી છે. આ ગાડીમાં 45 જેટલાં SRPના જવાનો ઘાયલ થયા છે. તેમજ ગંભીર રીતે ઘાયલ બે જવાનોને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે. આ ઉપરાંત હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાની વિગતો સામે આવી છે. હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાન આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ઢાળ ઊતરતાં બસની બ્રેક ફેઇલ થઈ જતા બસ અચાનક પલટી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત ઈમરજન્સી 108 ની સેવા પણ તાત્કાલિક ઈજાગ્રસ્તોને ખસેડવા માટે અકસ્માત સ્થળે પહોંચી છે. આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી પણ 45 જેટલા એસઆરપીના જવાનો ગંભીર રીતે ધાયલ થયા હોવાની વિગતો સામે આવી રહી છે.