કોંગ્રેસ ખેડૂતો, મજૂરો, ગરીબો અને બેરોજગારોને મદદ કરે છે પરંતુ ભાજપ મોટા ઉદ્યોગપતિઓને જ મદદ કરે છેઃ રાહુલ

rahulgandhi

રાહુલ ગાંધીએ છત્તીસગઢનાં કાંકેરમાં વિશાળ જનસભાને સંબોધી

‘તમામ સ્કૂલ-કોલેજોમાં KGથી PG સુધી મફત અભ્યાસ કરાવીશું..’

લોકસભાની ચૂંટણી પહેલાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. ટૂંક સમયમાં જ છત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન થવાનું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષો ચૂંટણી જીતવા માટે પોતપોતાનું જોર લગાવી રહ્યા છે. સત્તાધારી કોંગ્રેસ તરફથી આજે રાહુલ ગાંધી બે દિવસ માટે છત્તીસગઢ પહોંચ્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં અવ્યું હતું. ત્યાં પહોંચ્યા બાદ છત્તીસગઢનાં કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરમાં તેમણે ચૂંટણી સભાને સંબોધી હતી. કોંગ્રેસ નેતાએ સભાને સંબોધતા કહ્યું કે અમારી સરકાર ખેડૂતો, મજૂરો અને બેરોજગારીની મદદ કરે છે. જ્યારે ભાજપની સરકાર અદાણીની મદદ કરે છે. ભાજપના લોકો મોટાભાગે ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે, અમે દેશના ગરીબ આદિવાસી, દલિતો માટે કામ કરીએ છીએ. રાહુલે કહ્યું કે અમે જ મનરેગા લાવ્યા હતા અને તેમણે આ યોજનાને નકામી ગણાવી હતી. રાહુલગાંધીએ એક મોટી જાહેરાત કરી હતી કે છત્તીસગઢની તમામ સ્કૂલ અને કોલેજોમાં રાજ્યની પ્રજાને KGથી લઈને PG સુધી મફત અભ્યાસ કરાવાશે.

વધુમાં તેમણે કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં અમે છત્તીસગઢને 2-3 મોટા વચનો આપ્યા હતા. જેમ કે ખેડૂતોના પાક માટે યોગ્ય ભાવ, ખેડૂતોની લોન માફી, વીજળીનું બિલ અડધું કરવામાં આવશે. જ્યારે અમે આ વચનો આપી રહ્યા હતા ત્યારે પીએમ મોદીથી લઈને બીજેપીના વરિષ્ઠ નેતાઓ સુધી બધાએ કહ્યું હતું – આ વચનો પૂરા નહીં થાય. પરંતુ સરકાર બનતાની સાથે જ અમે તે કામ 2 કલાકમાં પૂર્ણ કર્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દેશના લોકો સાથે અન્યાય કરી રહ્યો છે. રાહુલગાધીએ જાતિ આધારિત વસતી ગણતરીનો મામલો ઊઠાવતાં કહ્યું કે વસતી ગણતરી પછી જ દેશને ખબર પડશે કે ઓબીસીની વસતી કેટલી છે? રાહુલગાંધીએ કહ્યું કે પીએમ મોદી જાતિ આધારિત વસતી ગણતરીથી ડરે કેમ છે? વધુમાં તેમણે કહ્યું કે ખેડૂતોના ખિસ્સામાં પૈસા આવે તો તેનો ઉપયોગ ગામમાં જ થાય છે. ગામનું અર્થતંત્ર મજબૂત બને છે. અદાણી વિદેશોમાં ખર્ચ કરે છે, મકાન ખરીદે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે વીજળીના બિલ અડધાં કરી દીધા અને તમારા ખિસ્સામાં પૈસામાં આવ્યા. તેમણે કહ્યું કે સરકાર ચલાવવાના બે રસ્તા છે. એક માર્ગ – સૌથી ધનિક લોકોને લાભ અને બીજી રીત- ગરીબ લોકોને મદદ કરો.