સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, ”મારે કોઈ પાસે રૂપિયા લેવાના હતા પણ તે પાછા આપતા નથી”
SITની રચના કરવામાં આવી
સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસની સામે સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોના સામૂહિક આપઘાતની એક ચકચારી ઘટના સામે આવી છે. એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે અને પોલીસ દ્વારા તપાસકરી રહી છે. સામૂહિક આપઘાતની આ ઘટનામાં ઘરના એક સભ્યએ અન્ય 6 લોકોને દવા પીવડાવી પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મહત્ત્વનું છે સામૂહિક આપઘાત કરનાર પરિવાર ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ક્યાં કારણોસર પરિવારે આ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ બાદ આ અંગે વધુ માહિતી સામે આવી શકશે. ઘટના સ્થળેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે.
ઘટના સ્થળે સુરતના મેયર દક્ષેશ માવાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ”ખૂબ જ દુખદ ઘટના છે. મનીષ કનુભાઈ સોલંકીની 37 વર્ષની ઉંમર છે. તેમણે મમ્મી-પપ્પા, વાઇફ અને ત્રણ સંતાનો સાથે સ્યૂસાઇડ કર્યું છે અને પોતે ગળેફાંસો ખાધો છે. બધાના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અત્યારે મોકલ્યા છે. ઘટના સ્થળેથી સ્યૂસાઇડ નોટ પણ મળી છે. પણ તેમાં કોઈના નામ જાહેર કર્યા નથી. જેમાં લખ્યું છે કે, મારે કોઈ પાસે રૂપિયા લેવાના હતા. આપતા નથી પણ હું કોઈને હેરાન કરવા માગતો નથી. એટલે તેમણે કોઈના નામ લખ્યા નથી. હું આ ઘટનાથી ખૂબ જ સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન એમની આત્માને શાંતિ આપે. પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.”
ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે, એક પરિવારના સાત લોકોએ આપઘાત કર્યા હોવાનો મેસેજ હતો. આમાંથી એક વ્યક્તિએ ફાંસો ખાઘો છે અને છ લોકોએ કોઇ ઝેરી વસ્તુ લીધી હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ બાબતે તેમણે જે લખાણ લખ્યું છે તે વેરિફાઇ કરવાની કાર્યવાહી ચાલુ છે. લખાણમાં તેમણે કોઇનું નામ નથી લખ્યું, પણ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે તેવું કારણ જણાવ્યું છે. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામકાજ હતું અને તે સુપરવાઇઝર હતા. તેમના હાથની નીચે 30થી 35 લોકો કામ કરતાં હતાં.
જ્યારે પોલીસ અધિકારીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ”સાત લોકોએ સ્યૂસાઇડ કર્યું છે. જેમાં બે ઉમંરલાયક વ્યક્તિ છે. તેમના છોકરા અને પુત્રવધુ સહિત ત્રણ બાળકો છે. જેમાંથી એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ સિવાય અન્ય લોકોએ ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. એક સ્યુસાઈડ નોટ મળી છે જેમાં પોતાના જ પૈસા ઉછીના આપ્યા હતા જે પાછા મળી રહ્યા ન હતા. જેના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હોય તેવી શક્યતા પ્રબળ બની રહી છે. તેમાં કોઈનું નામ લખ્યું નથી.
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં G-1 માં રહેતા રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકળામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે.
મૃતક મનીષ સોલંકીની સુસાઇડ નોટ મામલે પોલીસ કમિશનર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, મૃતકનું લખાણ છે કે મેં લોકો સાથે સારુ વર્તન કર્યું, લોકોને મદદ રૂપ થતો હતો, પરંતુ લોકો મારી સાથે એવું પરત વર્તન કર્યું નથી. આ સુસાઇડ નોટમાં કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ મનીષ સોલંકીના પરિવાર એક સારો પરિવાર છે. મૃતક દ્વારા ડિવાઇન 5 નામ ની જંતુનાશક દાવા લીધી છે. આ માટે સુરત પોલીસની ચાર ટીમ કામ કરી રહી છે. પોલીસ આ કેસમાં યોગ્ય રીતે તપાસ કરશે.
સુરતમાં સામૂહિક આપઘાત કેસમાં પોલીસ દ્વારા કોઈપણ કસર છોડવા માંગતુ નથી અને તેના માટે SITની રચના કરવામાં આવી છે. જેમાં DCP ઝોન 5, ACP,ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની ટીમ અને ક્રાઈમ બ્રાંચની ટેકનીકલ ટીમની મદદ લેવાશે. તેમજ આ મામલે ટીમે ફોરેન્સિક પુરાવા એકત્રિત કરાયા છે.