ફિક્સ કર્મચારીઓ અને રાજ્ય સરકાર હસ્તકના નિગમના કર્મચારીઓ બાદ સરકારે એસટીના કર્મચારીઓની દિવાળી પણ સુધારી દીધી
સરકારે માગણીઓ સ્વીકારતા આંદોલનનો અંત, આંદોલન સમેટાતા મુસાફરોને થશે મોટી રાહત
સરકારે ફિક્સ કર્મચારીઓ અને રાજ્ય સરકાર હસ્તકના નિગમના કર્મચારીઓ બાદ એસટીના કર્મચારીઓની દિવાળી પણ હવે સુધારી દીધી છે. એસ.ટી કર્મચારીને આ વખતે દિવાળી ફળી ગઈ છે. એસટી વિભાગના કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. તેમજ પડતર એરિયર્સ, મોંઘવારી ભથ્થા અને એચઆરએ જેવા મુખ્ય ત્રણ પ્રશ્નોનાના નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
દિવાળી પહેલા સરકારે ST કર્મચારીઓ માટે મોટા રાહતના સમાચાર આપ્યા છે. સરકારે એસટી કર્મચારીઓની વિવિધ માગણીઓનો સ્વીકાર કરી લીધો છે. જેથી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી યુનિયનની હડતાળ આખરે સમેટાઈ છે. આમ એસટી નિગમના માન્ય ત્રણ કર્મચારી સંગઠનોની વિવિધ માગનો અંત આવ્યો છે.
26 ઓક્ટોબરના રોજ ત્રણેય એસટી યુનિયનના આગેવાનોની રાજ્ય વાહન વ્યવહાર મંત્રી અને અધિકારીઓ સાથે મીટિંગ યોજાઇ હતી. આ સંગઠનોમાં વર્કર્સ ફેડરેશન, કર્મચારી મહામંડળ, મજદૂર મહાસંઘનો સમાવેશ થાય છે. આ બેઠકમાં આંદોલન ચલાવી રહેલા યુનિયનના આગેવનોએ સરકાર અને અધિકારીઓને પોતાની વિવિધ માગણીઓ જણાવી હતી. આખરે સરકારે આ બેઠક બાદ આ માગણીઓને સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
આ બેઠકમાં કર્મચારીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે જે માગણીઓ સ્વીકારી છે તે મુજબ એસટી કર્મચારીઓને બાકી એરિયર્સની ચુકવણી દિવાળી પહેલાં કરાશે, HRA નવેમ્બરથી ચૂકવાશે. સિનિયર અને જુનિયર કર્મચારીઓના ગ્રેડ પે અને પગાર બાબતે ચર્ચા કરાશે. વાર્ષિક રજાઓને લઈને પરિપત્ર જાહેર કરાશે, અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને વળતર ચૂકવવા અંગે નિર્ણય લેવાશે. દિવાળી પહેલાં પાર્ટ ટાઈમ કર્મચારીઓને બોનસ ચૂકવાશે. ઓવર ટાઈમની ચૂકવણી અંગે નિર્ણય લેવાશે, ફિક્સ પગારના કર્મચારીઓને ઉચ્ચક ફેસ્ટિવલ એડવાન્સ તરીકે 5 હજાર રૂપિયા અપાશે.
આખરે એમ કહી શકાય કે ફિક્સ કર્મચારીઓ અને રાજ્ય સરકાર હસ્તકના નિગમના કર્મચારીઓ બાદ સરકારે એસટીના કર્મચારીઓની દિવાળી પણ આખરે સુધારી દીધી છે. માગણીઓનો સ્વીકાર થઈ જતા હવે આંદોલનનો અંત આવ્યો છે. સરકાર સાથે ગઈકાલે મળેલી બેઠક પછી એરિયર્સ, મોંઘવારી ભથ્થાં અને HRAની એસટી કર્મચારીઓની માગ સરકારે સ્વીકારી લીધી છે. સરકારે આ અંગે લેખિતમાં ખાતરી આપી છે. ST યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે. આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી મગાશે. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગારધોરણ સહિતની બાબતો પર ચર્ચા થશે. ST કર્મચારીઓને સુધારેલા HRA નવેમ્બરથી ચૂકવાશે.
સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, એસટીની માગણી મુખ્ય પ્રધાને મોટું મન રાખી સ્વીકારી છે. સંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તમામ યુનિયન મોડી રાત સુધી બેસી નિર્ણય લીધા છે. મુખ્ય પ્રધાનનો આભાર કર્મચારીઓએ માન્યો છે. ગુજરાત એસટી સેવા છેવાડા ના ગામડા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. સામાન્ય નાગરિકો પ્રાઇવેટ બસના ભાડા ભરી ન શકે તેવા લોકો માટે રાજ્ય સરકારે એસટી બસની સુવિધા મૂકી છે. એસટી હાલ 8 હજાર બસોનું સંચાલન કરી રહી છે. 33 લાખ કિલોમીટરનો પ્રવાસ કરી રહી છે. તારીખ 7 નવેમ્બર થી 23 નવેમ્બર સુધી 2200 જેટલી વધારાની બસો મુકવામાં આવશે. સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના લોકોની વસ્તી વધુ છે.