પહેલા એક કલાકમાં સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો, રોકાણકારોને ભારે નુકસાન
આજે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસરને પગલે બજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 6 દિવસમાં રોકાણકારો આશરે 22 લાખ કરોડનું નુકસાન કરી ચૂક્યા છે. બેન્કિંગ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ભારે વેચવાલીને કારણે ભારતીય શેરબજારમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો હતો. આજના કોરોબારના અંતે BSEનો સેન્સેકસ 904 પોઇન્ટના ઘટાડા સાથે 63,144 અંક પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 269 પોઇન્ટના ઘટાડા સાથે 18,852 અંક સાથે બંધ થયો છે.
આજે સત્રના અંતે સેન્સેક્સમાં 900.91 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. 1.41 ટકાના આ ઘટાડા સાથે સેન્સેક્સ હવે 63148.15 પોઈન્ટની સપાટી સુધી પહોંચી ગયું છે. જ્યારે નિફ્ટી 50માં 264.90 પોઈન્ટનો કડાકો બોલાયો હતો, નિફ્ટી પણ 18857.25ની સપાટીએ પહોંચી ગયું છે. જ્યારે બેન્ક નિફ્ટીમાં 551.85 પોઇન્ટનો ઘટાડો થયો હતો, તે 42280.15ની સપાટીએ પહોંચી ગયું છે. સેન્સેકસ અને નિફટી 28 ફેબ્રુઆરી 2023 પછીના સૌથી મોટા નુકસાનના દોરમાં સતત છઠ્ઠા સત્રમાં ઘટ્યા હતા.
માર્કેટ ઓપનિંગના બાદ એક કલાકમાં સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો અને ઈન્ટ્રાડેમાં તે 63,238ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. પ્રથમ એક કલાક, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3.58 લાખ કરોડ ઘટીને રૂ. 305.64 લાખ કરોડ થયું હતું, એટલે કે 15 મિનિટમાં રોકાણકારોની મૂડીમાં રૂ. 3.58 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે જે વિશ્વની અર્થવ્યવસ્થાને હચમચાવી શકે છે. જેના કારણે મોંઘવારી વધવાની સંભાવના છે. આ સિવાય યુએસ ટ્રેઝરી યીલ્ડ 2007 બાદ 5 ટકાથી વધુ ઉછળ્યો છે, જેના કારણે ફુગાવાની ચિંતા છે. આ સિવાય વૈશ્વિક શેરબજારમાં ભારે વેચવાલીનું દબાણ છે. અમેરિકાનો S&P500 એક ટકાથી વધુ અને નાસ્કડેક 2 ટકાથી વધુ તૂટ્યો હતો. આ કારણસર માર્કેટમાં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.