ભારત સરકારે કહ્યું કાનૂની વિકલ્પો શોધીશું, MEAએ કહ્યું દરેક પ્રકારની કાયદાકીય મદદ માટે તૈયાર
કતારની કોર્ટે એક વર્ષથી વધુ સમયથી પોતાની કસ્ટડીમાં રાખેલા 8 પૂર્વ ભારતીય નૌસેનાના કર્મચારીઓને મોતની સજા સંભળાવી છે. મુખ્ય ભારતીય યુદ્ધ વોરની કમાન સંભાળનાર સન્માનિત અધિકારીઓ સહિત આઠ લોકો, ડહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલટન્સી સર્વિસિઝ માટે કામ કરી રહ્યાં હતા. આ આઠ લોકો પર જાસૂસીનો આરોપ લાગ્યો હતો. ભારત સરકારે મૃત્યુદંડ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે મૃત્યુદંડના નિર્ણયથી અત્યંત સ્તબ્ધ છીએ અને વિસ્તૃત ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાનૂની વિકલ્પો શોધી રહ્યા છીએ. અમે આ મામલાને ખૂબ જ મહત્વ આપીએ છીએ અને તેના પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ. અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલું રાખીશું. અમે આ ચુકાદાને કતરના અધિકારીઓ સમક્ષ ઉઠાવીશું. આ મામલામાં કાર્યવાહીની ગોપનીય પ્રકૃતિના કારણે હાલમાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હાલમાં કહ્યું હતું કે, આ મામલામાં સાતમી સુનાવણી ત્રણ ઓક્ટોબર થઈ હતી અને ભારત કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટેંસમાં કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. કતરમાં ભારતના રાજદૂતે એક ઓક્ટોબરે જેલમાં આ કર્મચારીઓ સાથે મુલાકાત લીધી હતી.
કતારની કોર્ટે જે આઠ પૂર્વ નૌસૈનિકોને સજા સંભળાવી છે તેમાં કેપ્ટન નવતેજસિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્રકુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેદુ તિવારી, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને સેલર રાગેશ સામેલ છે. આ આઠ લોકો પર જાસૂસીનો આરોપ લાગ્યો હતો. આ આઠેય લોકોની જામીન અરજી અનેક વખત ફગાવવામાં આવી છે જે બાદ કતારના અધિકારીઓએ તેમની કસ્ટડી વધારી દીધી હતી.
કતાર પોલીસ દ્વારા પકડવામાં આવેલા 8 પૂર્વ નૌસૈનિકોમાંથી એક રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કમાન્ડર પૂર્ણેદુ તિવારી (રિટાયર્ડ) પણ સામેલ છે. તેમણે 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. કંપનીની વેબસાઈટની જાણકારી મુજબ પૂર્ણેદુ તિવારી ભારતીય નૌસેનામાં અનેક મોટા જહાજોની કમાન સંભાળી ચુક્યા છે.
કતારની કોર્ટે જે આઠ પૂર્વ નૌસૈનિકોને સજા સંભળાવી છે તે તમામ લોકો કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતારની એમિરી નૌસેનાને ટ્રેનિંગ અને અન્ય સેવાઓ આપતી હતી. કંપની પોતાને કતાર રક્ષા, સુરક્ષા તેમજ અન્ય સરકારી એજન્સીની સ્થાનિક ભાગીદાર ગણાવે છે. રોયલ ઓમાન વાયુ સેના રિયાટર્ડ સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ અઝમી આ કંપનીના CEO છે.