ગોવાના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં 37મી નેશનલ ગેમ્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન

national-games-2023

પીએમે કહ્યું, ‘ભારતના દરેક ખૂણામાં પ્રતિભાની કોઈ કમી નથી.
જે 70 વર્ષમાં નથી થયું તે આ વખતે એશિયન ગેમ્સમાં બનતું જોયું. આ વખતે ભારતીય ખેલાડીઓએ 100થી વધુ મેડલ જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ગોવાની રાજધાની પણજીમાં નેશનલ ગેમ્સની 37મી સિઝનનું ઉદ્ધઘાટન કર્યું હતું. ગોવાના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આજે નેશનલ ગેમ્સનો સત્તાવાર ઉદઘાટન સમારોહ શરૂ થયો હતો. સાંજે 6:30 કલાકે નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. સિંગર સુખવિંદર સિંઘે પ્રથમ પરફોર્મ કર્યું હતું. તેમણે ‘જય હો’, ‘કર હર મેદાન ફતેહ’, ‘ચક દે ઈન્ડિયા’ અને ‘છૈયા છૈયા’ જેવા પ્રખ્યાત ગીતો સાથે સમારોહ જોવા આવેલા ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 6.45 કલાકે સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે રથ પર સવાર થઈને સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. સ્ટેડિયમના ચક્કર માર્યા બાદ પીએમ સ્ટેજ પર પહોંચ્યા હતા. પીએમને મંચ પર ગોવાથી ખાસ શાલ પહેરાવવામાં આવી હતી. નેશનલ ગેમ્સની મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ 26 ઓક્ટોબરથી શરૂ થશે અને 9 નવેમ્બર સુધી ચાલશે.

રાષ્ટ્રીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે પીએમ મોદીને ગેમ્સની મશાલ સોંપી. PMએ મંચ પર મશાલ લગાવી હતી. ત્યાર બાદ પ્રેક્ષકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘આ નેશનલ ગેમ્સ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત રમતગમતમાં સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. જે 70 વર્ષમાં નથી થયું તે આ વખતે એશિયન ગેમ્સમાં બનતું જોયું. આ વખતે ભારતીય ખેલાડીઓએ 100થી વધુ મેડલ જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.’ ‘આ નેશનલ ગેમ્સ તમામ યુવા ખેલાડીઓ માટે મજબૂત લોન્ચ પેડ છે. તમારી સામે તકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, તમારે તમારી બધી શક્તિ સાથે પ્રદર્શન કરવું પડશે. વચન આપો કે તમે જૂના રેકોર્ડ તોડશો. મારી શુભકામનાઓ તમારી સાથે છે.’

પીએમે કહ્યું, ‘ભારતના દરેક ખૂણામાં પ્રતિભાની કોઈ કમી નથી. ભારતે અછતમાં પણ ચેમ્પિયન બનાવ્યા છે. મારી બહેન પીટી ઉષા મારી સાથે સ્ટેજ પર બેઠી છે. પરંતુ એક ખામી એ હતી કે અમે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની મેડલ ટેલીમાં ઘણા પાછળ રહી ગયા હતા. ત્યારે અમે રાષ્ટ્રીય સંકલ્પ સાથે આ દર્દ દૂર કરવાની પહેલ કરી.’ નીરજ ચોપરા, સાનિયા મિર્ઝા, મીરાબાઈ ચાનુ, સાજન પ્રકાશ અને મનુ ભાકર જેવા ઘણા પ્રખ્યાત ભારતીય એથ્લેટ્સે નેશનલ ગેમ્સમાં ભાગ લીધો છે. નેશનલ ગેમ્સ ભારતના ઉભરતા ખેલાડીઓને મોટા મંચ પર ભાગ લેવાની તક આપે છે.

નેશનલ ગેમ્સ ગોવામાં કુલ 47 ઇવેન્ટ થશે, જેમાં 10,000થી વધુ એથ્લેટ ભાગ લેશે. ભારતના વિવિધ રાજ્યોની ટીમ ઉપરાંત ભારતીય સશસ્ત્ર દળો અને સેવાઓની રમતની ટીમ પણ રાષ્ટ્રીય રમતોમાં ભાગ લે છે. સર્વિસે છેલ્લી 4 નેશનલ ગેમ્સ જીતી છે. સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ કરતી ટીમ, ગયા વર્ષે ગુજરાતમાં 61 ગોલ્ડ સહિત 128 મેડલ સાથે નેશનલ ગેમ્સમાં ચેમ્પિયન બની હતી. મહારાષ્ટ્ર 140 મેડલ સાથે બીજા ક્રમે છે, જેમાં 39 ગોલ્ડ મેડલ સામેલ છે. હરિયાણા 38 ગોલ્ડ અને કુલ 116 મેડલ સાથે ત્રીજા ક્રમે છે.

નેશનલ ગેમ્સ ગોવાના પાંચ શહેરો (માપુસા, માર્ગો, પણજી, પોંડા અને વાસ્કો)માં યોજાશે. ગોવા પ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન કરશે. સાથે જ દિલ્હીમાં સાઇકલિંગ અને ગોલ્ફ સ્પર્ધાઓ યોજાશે. આ વખતે નેશનલ ગેમ્સ 2023માં ઘણી નવી રમતો ઉમેરવામાં આવી છે, જેમાં બીચ ફૂટબોલ, રોલ બોલ, ગોલ્ફ, સેપાક્ટાક્રો, સ્ક્વેર માર્શલ આર્ટ, કાલિયાપટ્ટુ અને પેંચક સિલાટનો સમાવેશ થાય છે. તો આ વખતે વોલીબોલને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું નથી.

પ્રથમ વખત આ રમતોનું આયોજન 1924માં લાહોરમાં કરવામાં આવ્યું હતું. આ નેશનલ ગેમ્સની 37મી સિઝન હશે. આ રમત 99 વર્ષ જૂની છે, પરંતુ તે ક્યારેય સતત રમવામાં આવી નથી. આ રમતો સમયાંતરે વિરામ લેતી રહી છે. 1924થી 1938 સુધી તે ભારતીય ઓલિમ્પિક ગેમ્સ તરીકે જાણીતી હતી. 1940થી તેનું નામ બદલીને નેશનલ ગેમ્સ કરવામાં આવ્યું. 1940માં તેની યજમાની મુંબઈને નેશનલ ગેમ્સ તરીકે સોંપવામાં આવી હતી. તે 1970માં 25મી સીઝન સુધી દર 2 વર્ષે થતું રહ્યું. 9 વર્ષના અંતરાલ પછી 1979માં હૈદરાબાદમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1985માં નવી દિલ્હીમાં મોટા પાયે નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમર ઓલિમ્પિક ફોર્મેટમાં આયોજન કરવામાં આવ્યું હતું.