પીએમ મોદીએ મહારાષ્ટ્રને 7500 કરોડની વિકાસની પરિયોજનાઓની ભેટ આપી

Modi in shirdi

શિરડી સાંઈ બાબાના મંદિરે દર્શન અને પ્રાર્થના કરી, મહારાષ્ટ્રના ખેડૂતોને કુલ 12 હજાર રૂપિયાની રકમ મળશે

પીએમ નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ આજે સૌપ્રથમ શિરડી સાંઈ બાબાના મંદિરે પહોંચ્યા હતા અને સાંઇબાબાના દર્શન અને પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ મંદિરની બહાર હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. પીએમ મોદીએ 7500 કરોડની વિકાસની પરિયોજનાઓની ભેટ આપી હતી. જે બાદ જનસભા સંબોધી હતી.

મહારાષ્ટ્રમાં 5 દાયકાની લાંબી રાહ બાદ નિલવંડે ડેમનું કામ પૂર્ણ થવા પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “આજે, સાંઈ બાબાના આશીર્વાદથી, 7,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

ખેડૂતો માટે પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે ખેડૂતોને 2 લાખ 60 હજાર કરોડ આપ્યા. તેમણે કહ્યું, “પહેલાં કોઈ ખેડૂતોની કાળજી લેતું ન હતું. અમે પીએમ કિસાન સન્માન નિધિ શરૂ કરી છે, જેની મદદથી દેશભરના કરોડો નાના ખેડૂતોને 2 લાખ 60 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના નાના ખેડૂતોના બેંક ખાતામાં 26 હજાર કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે 6,000 રૂપિયાની વાર્ષિક સહાયની યોજનાની પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું કે ભારત સરકાર ખેડૂતોને 6 હજાર રૂપિયાની રકમ પણ આપી રહી છે. મને ખુશી છે કે મહારાષ્ટ્રના ખેડૂતોને કુલ 12 હજાર રૂપિયાની રકમ મળવા જઈ રહી છે. પીએમ મોદી ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ નો શુભારંભ કરશે, જેનાથી મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 86 લાખથી વધુ લાભાર્થીઓને પ્રતિ વર્ષ 6,000 રૂપિયાની વધારાની રકમ મેળવવા પૂરી પાડવામાં આવશે. અગાઉની સરકારોએ ખેડૂતોનો ઉપયોગ કર્યો પરંતુ તેમના માટે કોઈ કામ કર્યું નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દેશને ગરીબીમાંથી મુક્ત કરવો જોઈએ, ગરીબમાં ગરીબ પરિવારને આગળ વધવાની તક આપવી જોઈએ, આ જ સાચો સામાજિક ન્યાય છે. આજે જ્યારે દેશની અર્થવ્યવસ્થા વધી રહી છે ત્યારે ગરીબ કલ્યાણ માટે સરકારનું બજેટ પણ વધી રહ્યું છે. અમારી ડબલ એન્જિન સરકારની ટોચની પ્રાથમિકતા ગરીબ કલ્યાણ છે. અમારી સરકાર “સબકા સાથ, સબકા વિકાસ”ના મંત્ર પર કામ કરે છે.