કોંગ્રેસે રાહુલ ગાંધીને ભાવિ PM દર્શાવતા બેનર લગાવ્યા, અગાઉ સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવને ભાવિ PM દર્શાવ્યા હતા
પીએમ મોદીને સત્તા પરથી દૂર કરવા માટે I.N.D.I.A. ગઠબંધનની જાહેરાત કર્યા બાદ હવે વિપક્ષી પાર્ટીઓ અંદરોઅંદર જ ખેંચતાણ કરવા માંડી છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સીટ-શૅરિંગને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ એકબીજા સામે તલવાર ખેંચી છે.
મધ્યપ્રદેશ ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A. હેઠળ એક સમજૂતી થઈ હતી. ત્યારબાદ અંદરોઅંદર ખેંચતાણ થવા લાગી હતી. કોંગ્રસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે છેડાયેલી જંગ હજુ પણ ચર્ચામાં છે પરંતુ આ વચ્ચે ભાવિ વડાપ્રધાન અંગે બંને પક્ષોમાં વાર પલટવાર શરૂ થઈ ગયો છે. બંને પાર્ટી વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયુ છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લખનૌના રસ્તાઓ પર એક હોર્ડિંગ લગાવવામાં આવ્યુ છે જેમાં રાહુલ ગાંધીને ભાવિ પીએમ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં રાહુલ ગાંધી અને અજય રાય બંનેને એક સાથે બતાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ પર લખવામાં આવ્યું છે- 2024માં રાહુલ, 2027માં રાય. દેશ-પ્રદેશ બોલ રહા હૈ હાથ કે સાથ આયે. હોર્ડિંગમાં જમણી બાજુ સૌથી નીચે નિશાંત સિંહ નિતિનની તસવીર છે. નિશાંત સિંહ નિતિન એક કાર્યકર્તા છે અને આ હોર્ડિંગ તેમના તરફથી જ લગાવવામાં આવ્યા હોવાનું મનાય છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લખનૌના રસ્તાઓ પર સમાજવાદી પાર્ટીના પોસ્ટર પર અખિલેશ યાદવને ભાવિ વડાપ્રધાન તરીકે દર્શાવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આ હોર્ડિંગ પર બીજી પણ અનેક બાબતો લખવામાં આવી છે. જેમ કે MSP, OPS, ખેડૂતોને રોજગાર, વૃદ્ધાવસ્થા પેન્શન, જાતિગત વસતી ગણતરી અને મહિલા અનામતનો તાત્કાલિક અમલ. કોંગ્રેસ પાર્ટીના આ મુદ્દાઓ આગામી વિધાનસભા ચૂંટણી અને આગામી લોકસભાની ચૂંટણીમાં હત્વપૂર્ણ રહેશે. એટલા માટે તેમને આ પોસ્ટર પર સ્થાન આપવામાં આવ્યું છે.
થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવના જન્મદિવસના અવસર પર લખનૌના રસ્તાઓ પર તેમને પણ ભાવિ પીએમ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમને દેશના ભાવિ વડાપ્રધાન લખીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ પોસ્ટર પાર્ટી નેતા ફખરુલ હસન ચાંદે લગાવ્યુ હતું. પોસ્ટર લખનૌમાં પાર્ટી ઓફિસની સામે લગાવ્યુ હતું. તેના પર લખ્યુ હતું- બદલા હૈ દેશ, બદલેંગે દેશ.