આવતીકાલે 10 વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળશે
પંચમહાલથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં પોતાની આગવી ઓળખ ધરાવતા નેતાને લોકોએ ગુમાવ્યા છે. પંચમહાલના બાહુબલી નેતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની અંતિમયાત્રા આવતીકાલે 10 વાગ્યે નીકળશે.
પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો. તેઓ પંચાયત થી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા. પ્રભાતસિંહ ચૌહાણની રાજકીય કેરિયરની શરૂઆત વર્ષ 1974થી થઇ હતી. 1975માં તે મેહલોલ ગ્રામપંચાયતના સરપંચ બન્યા અને ધીમે-ધીમે ભાજપના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. વર્ષ 1975-1980 સુધી તેઓ ગોધરા તાલુકા પંચાયતના સભ્ય તરીકે રહ્યા હતા. વર્ષ 1980-1990 સુધી પંચમહાલ જીલ્લા પંચાયતના પણ તેઓ સભ્ય રહ્યા હતા. વર્ષ 1982-1990 અને 1995 – 2000 તેઓ બે વખત ગોધરાના ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતા. વર્ષ 1998-2002 સુધી ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણના ઉપમંત્રી તરીકે રહ્યા હતા. તો ગુજરાત સરકાર હેઠળ આદિજાતિ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવી હતી.
1990માં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા. તેમણે ભાજપમાંથી 1995, 1998 અને 2002માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ભાજપે તેમને 2007માં પણ ટિકિટ આપી હતી. જેમા તેઓ કોંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. વર્ષ 2004-2007 સુધી તેઓ ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના આદિવાસી વિકાસ મંત્રી તરીકે રહ્યા હતા. વર્ષ 2004માં પણ ગુજરાત સરકારમાં તેઓ એ પશુપાલન મંત્રી તરીકેનું પદ સાંભળ્યું હતું. ભાજપ પક્ષે પ્રભાતસિંહ ચૌહાણની રાજકીય કારકિર્દીને ધ્યાનમાં લીધી અને વર્ષ 2009માં પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવારની પહેલી તક મળી હતી. જેમાં પ્રભાતસિંહ ચૌહાણનો કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા સામે પ્રભાતસિંહ ચૌહાણનો 2081 મતથી વિજય થયો હતો. એમ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની સરપંચથી સાંસદ સુધીની સફર પૂર્ણ થઇ અને 2009માં તેઓ ભાજપના પંચમહાલ સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા હતા.
પ્રભાતસિહ ચૌહાણે વીતેલા 5 વર્ષમાં પંચમહાલ જીલ્લાની મોટામાં મોટી કહી શકાય તેવી પાનમ હાઈ લેવલ કેનાલનું પંચમહાલવાસીઓનું સપનું સાકાર કર્યું તો બીજી તરફ સહકારી ક્ષેત્રે ફડચામાં ગયેલી ધી પંચમહાલ જીલ્લા કો .ઓ .બેંકને ફરી જીવંત કરી લાખો ખેડૂતોને આ બેંક થાકી ફરી એક વાર ધિરાણની સેવાઓ પૂરી પાડી હતી.
પ્રતાપસિંહ ચૌહાણ ધાર્મિક પુસ્તકો અને વર્તમાનપત્રો વાંચવાનું પસંદ કરતા હતા. તેઓ લાંબી કૂદ તેમજ કબડ્ડી જેવી રમતોમાં ખાસ રુચિ ધરાવતા હતા. તેઓ એક “ફિટનેસ ફ્રીક” ઉપરાંત યોગ અને વ્યાયામ કરવાનું તેઓ પસંદ કરતા હતા. પોતાની મૂછો માટે અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણ નું ટૂંકી માંદગી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. જેના બાદ પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.