UPI પેમેન્ટ વડે એસ.ટી.પરિવહનમાં ટિકિટ વગેરેના વ્યવહારો કેશલેસ અને વધુ સરળ બ બનશે
ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 40 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું
રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ QR CODE આધારિત UPI ડિજિટલ પેમેન્ટ સેવાનો કરાવ્યો પ્રારંભ
ગુજરાત એસટી બસમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વનાં સમાચાર સામે આવ્યા છે.
એસટી બસમાં મુસાફરી કરતી વખતે બસનાં કંડક્ટર અને પેસેન્જર વચ્ચે છૂટ્ટા રુપયા આપવા બાબતે માથાકૂટ થતી જ હોય છે. જોકે હવે કંડક્ટર અને પેસેન્જર બંનેને આ છુટા રુપયાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. કારણ કે આજે રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત એસટી વિભાગમાં UPI ડિજિટલ પેમેન્ટ સેવાનો પ્રારંભ કરાવ્યો છે.
ગાંધીનગર ડેપો ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિવિધ મહાનુભાવોના હાજરીમાં એસટી વિભાગમાં QR CODE આધારિત UPI ડિજિટલ પેમેન્ટ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. એસટી નિગમને આજે 2 હજાર UPI મશીન ફાળવવામાં આવ્યા છે. જેના કારણે હવેથી ઓનલાઇન પેમેન્ટ કરીને એસટી બસમાં ટિકીટ ખરીદવાની સુવિધા આજથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાથી જાહેર પરિવહનની સેવા વધુ અસરકારક બનશે અને મુસાફરોની યાત્રા વધુ સુવિધાયુક્ત અને સુલભ બનશે.
ગુજરાતમાં ગાંધીનગર ડેપો ખાતે આજે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)નો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં GSRTCની નવી 40 નવી બસો (2×2)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બસોને લીલી ઝંડી આપી હતી. નવી મળેલી આ 40 બસ પૈકી અમદાવાદને 15 બસો અને મહેસાણાને 7 બસ ફાળવાઇ છે, આ ઉપરાંત બરોડાને 10 બસો, ગોધરાને 6 બસો અને ભરૂચ ડેપોને 2 બસો ફાળવવામાં આવી છે.
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આવનારા એક વર્ષમાં વધુ નવી 2 હજાર બસ એસટી નિગમમાં સામેલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.