મેક્સવેલે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે મેક્સવેલે 40 બોલમાં 100 રન ફટકાર્યા
ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને જીતવા માટે આપ્યો 400 રનનો ટાર્ગેટ
ઓસ્ટ્રેલિયાના બેન્ટમેન ગ્લેન મેક્સવેલે આજે નેધરલેન્ડ સામે રમાયેલ મેચ દરમ્યાન સદી ફટકારી હતી. મેક્સવેલે માત્ર 40 બોલમાં સદી ફટકારી હતી. આ સદી બાદ મેક્સવેલ વન ડે વર્લ્ડકપનાં ઈતિહાસમાં સૌદી ઝડપી સદી ફાટકારનાર ખેલાડી બન્યો છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડકપની 24મી મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પૈટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલની સદીની મદદથી નેધરલેન્ડને 400 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે આ મેચમાં ગ્લેન મેક્સવેલે વન ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવી દીધો છે.
ગ્લેન મેક્સવેલે માત્ર 40 બોલમાં સેન્ચુરી પૂર્ણ કરીને સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરામનો રેકોર્ડ તોડી દીધો છે. તેણે 40 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. અગાઉ, સાઉથ આફ્રિકાના એડન માર્કરામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જ શ્રીલંકા સામે 49 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. આ પહેલા મેક્સવેલે 2015 વન ડે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં 51 બોલમાં સદી ફટકારી હતી.
ઓસ્ટ્રેલીયાની ટીમ માટે પ્રથમ ઓપનિંગ કરવા આવેલા ડેવિડ વોર્નરે 93 બોલમાં 11 ફોર અને 3 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠા નંબર પર આવેલા ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 240.91ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 106 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગ્લેન મેક્સવેલની આ સેન્ચુરી વન ડે ક્રિકેટ ઈતિહાસની ચોથી સૌથી ઝડપી સદી પણ છે.
વન ડે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી
40 – ગ્લેન મેક્સવેલ vs નેધરલેન્ડ, દિલ્હી 2023
49 – એડન માર્કરામ vs શ્રીલંકા, દિલ્હી 2023
50 – કેવિન ઓ’બ્રાયન vs ઈંગ્લેન્ડ, બેંગલુરુ 2011
51 – ગ્લેન મેક્સવેલ vs શ્રીલંકા, સિડની 2015
વન ડેમાં સૌથી ઝડપી સદી (બોલ)
31 – એબી ડી વિલિયર્સ vs વેસ્ટ ઈન્ડિઝ, જો’બર્ગ, 2015
36 – કોરી એન્ડરસન vs વેસ્ટ ઈન્ડિઝ, ક્વીન્સટાઉન, 2014
37 – શાહિદ આફ્રિદી vs શ્રીલંકા, નૈરોબી, 1996
40 – ગ્લેન મેક્સવેલ vs નેધરલેન્ડ, દિલ્હી 2023