શામળીજી-હિંમતનગર હાઈવે પર અસાલ GIDCમાં આવેલ ઈકોવેસ્ટ કંપનીમાં વહેલી સવારે આગ લાગી, 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં, આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધૂમાડાનાં ગોટો જોવા મળ્યા હતા
કેમિકલ બનાવતી કંપનીઓમાં ભીષણ આગની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. આવી જ એક ઘટનાં આજે બની છે. અરવલ્લીનાં શામળાજી નજીક આવેલી અસાલ GIDCમાં એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી.જેમાં 60 જેટલા ટેન્કર બળીને ખાક થયા હતા. જોત જોતામાં આગે વિકારળ રૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. 6 કલાક બાદ ઇકોવેસ્ટ કંપનીમાં લાગેલી આગ કાબૂમાં આવી હતી. આગ કયા કારણોસર લાગી એ હજુ જાણી શકાયુ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લીનાં શામળાજી-હિંમતનગર હાઈવે પર આવેલી અસાલ GIDCમાં ઇકોવેસ્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ત્યા કેમિકલ ભરેલા 60 જેટલા ટેન્કર હતા એ પણ આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાક થયા હતા. આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધૂમાડા ગોટો જોવા મળ્યા હતા. આગની જાણ થતાં સ્થાનિક લોકો અને સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાની જાણ થતાં મોડાસાથી 3 જેટલી ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી. જોકે આગ ભીષણ હોવાથી મોડાસા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વિકરાળ બનતી આગ પર કાબૂ મેળવવા માટે હિંમતનગર, ઇડર અને મહેસાણાથી ફાયર વિભાગની ગાડીઓ બોલાવવામાં આવી હતી. 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
જાણવા મળ્યુ છે કે ઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરી છેલ્લા 4 મહિનાથી બંધ હતી.આ આગ લાગવાનાં બનાવમાં જાનહાનિના હાલ કોઇ સમાચાર નથી પરંતુ આગના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયો હોવાનો અંદાજ છે. આગ કયા કારણોસર લાગી એ હજુ અકબંધ છે.