RTO સર્કલ પાસે બનેલી દુર્ઘટનામાં નીચે ઊભેલાં ટ્રેક્ટર અને રિક્ષા દબાઈ ગયાં હતાં
બનાસકાંઠા કલેકટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો
ગુજરાતમાં નવા જ બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ હવે નવી નથી રહી. અમદાવાદમાં એસપી રીંગ રોડ પરનો નિર્માણાધીન બ્રિજ કેટલાક સમય પહેલાં જ ધરાશાયી થયો હતો ત્યારે હવે આજે ફરી એક બ્રિજનો સ્લેબ તુટી પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતાં નીચે ઊભેલાં ટ્રેક્ટર અને રિક્ષા દબાઈ ગયાં હતાં. તંત્ર દ્વારા કાટમાળ દૂર કરાતા કાટમાળ નીચે દટાયેલી રિક્ષા અને તેના ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ એક વ્યકિતનો પણ મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. બ્રિજ દુર્ઘટનાના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. નોંધનીય બાબત છે કે, જાન્યુઆરીમાં બ્રિજનું લોકાર્પણ થવાનું હતું.
જાણવા મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ આજે સાંજના સમયે અચાનક જ ધરાશાયી થતાં નીચે ઊભેલાં ટ્રેક્ટર અને રિક્ષા દબાઈ ગયાં હતાં. બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. આ અંગે હજી મળતી માહિતી અનુસાર, પાલનપુરમાં નેશનલ હાઇવે પર થતાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા ચેકપોસ્ટથી આરટીઓ કચેરી તરફ માર્ગ પર નવીન બની રહેલા બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો છે. જેમાં જેમાં બ્રિજ નીચે પાર્ક કરી ઉભેલો એક રિક્ષાચાલક દુર્ઘટના સમયે ભાગવા જતા તેની માથે મહાકાય સ્લેબ પડતો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કાટમાળ દૂર કરાતા કાટમાળ નીચે દટાયેલી રિક્ષા અને તેના ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ એક વ્યકિતનો પણ મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. બ્રિજ દુર્ઘટનાના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે.
અકસ્માત અંગેની માહિતી અનુસાર, ત્રિ – માર્ગીય નિર્માણાધિન બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થયા છે. ઘટનાની જાણ થતા કલેક્ટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. ક્લેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી કે, પુલ કયા કારણસર ધરાશાયી થયો તેની તપાસ ચાલુ છે.
નોંધનીય છેકે, કેન્દ્ર સરકારે 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો, જેમાં પાલનપુરની એજન્સીને 90 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનું કામ મંજુર થયું હતું આ બ્રિજ 18 મહિનામાં પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. જે દાતા તરફ 682 મીટર લાંબો, આબુ રોડ તરફ 700 મીટર લાંબો, અને પાલનપુર-અમદાવાદ હાઇવે તરફ 951 મીટર લાંબા ત્રણ લેગ બનાવામાં આવ્યા છે. ગુજરાતનું પ્રથમ પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યો છે અને હવામાં 18 થી 20 ફૂટ ઉપર કોઈપણ સર્કલ બનાવવામાં આવ્યું છે. નોંધનીય બાબત છે કે, જાન્યુઆરીમાં બ્રિજનું લોકાર્પણ થવાનું હતું. તે પહેલા જ બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યુ ટ્વિટ
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું, પાલનપુર આરટીઓ સર્કલ નજીક ઓવરબ્રિજ ધરાશાઈ થયો. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયાની આશંકા. આ બ્રીજ નહી પણ ભ્રષ્ટાચારનો વિકાસ પડ્યો છે, હવે ફરી અધિકારીઓની બદલી કરી હૈયે ટાઢક કરાશે ?