નવસારીમાં 4 વર્ષના પુત્રને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી પિતાએ પણ આપઘાત કરી લીધો

navsari

માતાના કબજામાં રહેલા ચાર વર્ષના પુત્રને લઈ પિતાએ આઠમા માળેથી ફેંકી દીધો

નવલા નોરતામાં સૌ કોઈ મા જગદંબાની આરાધના કરી રહ્યા છે. ત્યારે નવસારીના જુનાથાણા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુત્રનો કબજો મેળવવાની બાબતે દંપતી વચ્ચે થયેલા ઝગડામાં હેવાન બનેલા સગા પિતાએ પોતાના જ સાડા ચાર વર્ષના પુત્રને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દીધો હતો અને બાદમાં પિતાએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં રહેતા એક પતિ-પત્નીના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પિતા રાકેશ ગોસ્વામીએ બાળક દ્વિજ ગોસ્વામીને નીચે ફેંકતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે બાળકના લઈને ઝઘડો થતાં પતિએ બાળકને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકને લઈ જતા પતિને પત્નીએ રોકતા સરકારી વસાહતની બિલ્ડીંગ પર ચડી જઈ ગુસ્સેમાં આવેલા પિતા રાકેશ ગોસ્વામીએ બાળકને નીચે ફેંકી દીધા પછી પોતે પણ આપઘાતકરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે ડીવાયએસપી એસ.કે રાયે જણાવ્યું હતું કે, જુનાથાણા વિસ્તારમાં સ્ટાફ ક્વાર્ટર સરકારી વસાહત છે જ્યાં મોનિકાબેન ગૌસ્વામી રહેતા હતા. મોનિકાબેનના લગ્ન રાકેશ ગૌસ્વામી સાથે વર્ષ 2016માં થયા હતા. તેઓને સંતાનમાં બે બાળકો છે. પતિ રાકેશ ગૌસ્વામી શંકાશીલ અને વ્યસની હતો. આજે તે તેની પત્ની જ્યાં રહેતા હતા ત્યાં આવ્યો હતો અને દીકરાને ઉઠાવીને લઇ ગયો હતો અને બિલ્ડીંગની અગાસી પરથી દીકરાને નીચે ફેંક્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.