પોલીસ દ્વારા ૩૨ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે કાર્યવાહી
સમગ્ર રાજ્યમાં હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ ૧૫૪૬ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યભરમાં પોલીસે ૨૪૨ આરોપીઓ સામે ૧૬૯ ગુના દાખલ કરી ૧૫૦ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ૩૨ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં સ્પા ગર્લને જાહેરમાં માર મારવા અંગે પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં ફૂટી નીકળેલા સ્પામાં આજે પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી છે. રાજકોટ-શહેરમાં પણ વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસના દરોડા પડ્યાં છે. 50થી વધુ સ્પામાં પોલીસ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 13 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. સ્પામાં નાગાલેન્ડ,અમદાવાદ,દિલ્હી,મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપીસ્ટ કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે સ્પા સંચાલકો દ્રારા રજીસ્ટ્રેશન નહિ કરાવતા કાર્યવાહી હાથ ધરાઇ છે. રાજ્યમાં સ્પા પર ચાલતા ગોરખધંધાને લઇને વિવિધ શહેરમાં પોલીસે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસને મળેલી સૂચના બાદ આજે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ચાલી રહેલા સ્પા પર દરોડા પાડવામાં આવ્યાં છે.