ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો થયો, 1લી ઓક્ટોબરથી અમલવારી

fixPay-new

ફિક્સ-પે કર્મચારીઓ માટે સારા સમાચાર, રાજ્ય સરકારે ફિક્સ પે કર્મચારીઓને આપી દિવાળી ગીફ્ટ
30 ટકા પગાર વધારો આપવાથી સરકારની તિજોરી ઉપર વાર્ષિક 500 કરોડથી પણ વધુ ભારણ વધશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની આજે બેઠક મળી હતી. જેમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગાર વધારાની માગ પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારે રાજ્યના ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા જ 30 ટકા પગાર વધારાની ભેટ આપી છે. ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી જ આ નિર્ણયનો અમલ થશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ફિક્સ પે કર્મચારીઓના પગારમાં વધારો કરવા અંગેની જાણકારી આપી હતી. રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિક્સ પે કર્મચારીઓ દ્વારા ફિક્સેશન હટાવવા માટે કોર્ટ પ્રક્રિયા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મુદત આપી છે ત્યારે રાજ્ય સરકારે ફિક્સ પે કર્મચારીઓના પગારવધારાની માગને સંતોષી તેમનો રોષ ઠારવાનો પ્રયાસ કર્યો હોય એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગારવધારા માટે માગ કરી રહ્યા હતા.

રાજ્ય સરકારના નિર્ણયથી 61,560 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. 20%ના વધારાની અટકળ વચ્ચે રાજ્ય સરકારે 30%નો વધારો આપતા કર્મચારીઓમાં ખુશીનું મોજું છવાઈ ગયું છે. રાજ્યમાં કર્મચારીઓના પગાર વધારાનો અમલ 1 ઓક્ટોબરથી થશે. આ નિર્ણયથી સરકારની તિજોરી ઉપર વાર્ષિક 500 કરોડથી પણ વધુ ભારણ વધશે. આ મુદ્દે સરકાર ટુંક સમયમાં પરિપત્ર જાહેર કરશે.

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થશે.