રાત્રે 12 વાગ્યા પછીના ગરબાને લઈ હાઈકોર્ટે કરી સ્પષ્ટતા, જો કોઈ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે

highcourt

ગરબામાં લાઉડ સ્પીકરના અવાજને કારણે આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકોને બિનજરૂરી કોઇ ખલેલ પહોંચવી જોઇએ નહીં

પોલીસને અગાઉના હુકમનું પાલન કરવાની જવાબદારી, ફરિયાદ થશે તો 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચાલે

નવરાત્રીમાં 12 વાગ્યા પછી પણ ગરબા ચાલુ રાખવા માટે પરવાનગી આપવામાં આવી છે. જેના પર હવે કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી, જેમાં અરજદારે 12 વાગ્યા બાદ ગરબા કરવા પર રોક લાગાવવો જોઇએ. તેમજ ધ્વનિ પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું હોવાથી પરવાનગી ન આપવા માગ કરી છે.

મોડીરાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે HCમાં રજૂઆત કરી છે કે, SC અને HCનો હુકમ છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા માટે કોઈ સૂચના ન આપી શકે. નાગરિક દ્વારા મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાની થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નાગરિકની ફરિયાદ પર હાઈકોર્ટે કહ્યું કે, કોઈ નાગરિક 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉ જે હુકમો પસાર થયા છે તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે. 

ગુજરાત હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા અંગે સ્પષ્ટ સૂચના આપી દીધી છે. કોઈપણ નાગરીક ફરિયાદ કરશે તો પોલીસે પણ કાર્યવાહી કરવી પડશે. પોલીસને અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી છે. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ થશે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય. ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી જ વિવાદ શરૂ થયો હતો. તેમણે આયોજકોને વહેલા ગરબા શરૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં. મોડી રાત સુધી ચાલનારા ગરબા અંગે જો કોઈ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

ગુજરાતમાં નવરાત્રીના તહેવારોમાં લોકોને હેરાન નહીં કરવા પોલીસને સરકારે સૂચના આપી છે. રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું છે કે સમયની પાબંધી વિના લોકોને છૂટથી ગરબા રમવાદેવા તેમજ ફુડકોર્ટ પણ ચાલુ રાખવી. રાત્રીના ૧૨ વાગ્યા પછી લોકોને પરેશાન નહીં કરવાનું કહેવાયું છે. ખાણી-પીણીની લારીઓ તેમજ ફુડકોર્ટને બંધ કરવાના આદેશ આપે છે પરંતુ સરકારે પોલીસને નવરાત્રી મહોત્સવ હળવાશથી લેવા તેમજ કાયદાના ડંડા નહીં પછાડવા કહ્યું છે. આ મુદ્દે હવે હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે સ્પષ્ટ સૂચના આપી દીધી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે જાહેરાત કરતાં કહ્યું કે ખેલૈયાઓ ગુજરાતની સંસ્કૃતિના ભાગરૂપ એવા રાસ ગરબાનો આનંદ વધુમાં વધુ સમય સુધી લઇ શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને સૂચન કર્યું છે. સંઘવીએ કહ્યું કે પોલીસને ખાસ તાકીદ કરવામાં આવી છે કે કોઇપણ ખેલૈયાઓને કે ગરબા રસિકોને કોઇ અગવડ ન પડે અન્યથા ખોટી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. જો કે ખાનગી ગરબા આયોજકોએ તે વાતનું ધ્યાન રાખવું પડશે કે ગરબામાં લાઉડ સ્પીકરના અવાજને કારણે આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકોને બિનજરૂરી કોઇ ખલેલ પહોંચવી જોઇએ નહીં. આ માટે ખાનગી ગરબા આયોજકો રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબા ચાલું રાખવા ઇચ્છતા હોય તો તેમણે ઓછો અવાજ કરે તેવી મ્યુઝિક સિસ્ટમ પર ગરબા કરાવવા પડશે.