કોંગ્રેસ નેતા દિવ્યા મારુન્થૈયાનું વિવાદિત નિવેદન, ‘પાકિસ્તાન વર્લ્ડ કપ જીતશે તેવી આશા’

divya-marunthaiya

ભારતની જીતની ખુશીમાં સમગ્ર દેશ જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે વિપક્ષના કેટલાક નેતાઓને ભારતીય ટીમની જીત પસંદ આવી ન હતી

હાલમાં ભારતમાં ICC વર્લ્ડ કપ 2023 ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશાથી ક્રિકેટપ્રેમીઓ માટે રોમાંચક રહ્યો છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક મેચ રમાઈ હતી. દર વખતની જેમ આ વખતે પણ ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતની જીતની ખુશીમાં સમગ્ર દેશ જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે વિપક્ષના કેટલાક નેતાઓને ભારતીય ટીમની જીત પસંદ આવી ન હતી. તેવામાં કોંગ્રેસના નેતાએ પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતવાની શુભેચ્છા આપીને નવો વિવાદ સર્જ્યો છે.

તમિલનાડુ કોંગ્રેસના મહાસચિવ દિવ્યા મારુન્થૈયાએ ભારતમાં ચાલી રહેલા ICC વર્લ્ડ કપ 2023 વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમના સમર્થનમાં ટ્વિટ કર્યા બાદ સોમવારે વિવાદનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં ધાર્મિક ઉગ્રવાદનો મુદ્દો ઉઠાવીને સત્તાધારી પક્ષ બીજેપીની ટીકા કરતા, મારુનથૈયાએ ઈન્સ્ટાગ્રામ પર એક જૂની તસવીર પોસ્ટ કરી હતી. જે તસવીર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભાજપના ઝંડા સાથે ભગવા સમર્થકોની હતી. કેપ્શનમાં લખ્યું હતું- “આ યાદ છે?! સાચું. આ દેશ ધાર્મિક ઉગ્રવાદીઓ સામે હારી ગયો છે. મને ખરેખર આશા છે કે PAK આ વર્લ્ડ કપ જીતે. જય શ્રી રામ.”

આ ટ્વીટ પર લોકોએ કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કર્યા હતા.
એક યુઝરે લખ્યું હતું કે કેટલી શરમજનક વાત છે… માત્ર એક પાર્ટીના કારણે કોઈ વ્યક્તિ કેટલું નીચું જઈ શકે છે. દુશ્મનની જીતની ઈચ્છા વ્યક્ત કરે છે. મારો મતલબ શું તમે આનાથી નીચા જઈ શકો છો?
તો બીજાએ લખ્યું હતું કે જુઓ તમે ક્યાં પહોંચી ગયા છો! ભાજપ અને સંઘીઓ પ્રત્યેની નફરતએ તમને દેશ પ્રત્યે નફરત કરતા બનાવી દીધી છે! આ પણ વિચારો, કોંગ્રેસના આટલા વર્ષોના શાસનમાં ભાજપનો એક પણ સમર્થક ભારતને ધિક્કારતો નથી! આટલો જ ફરક છે!

આમ, પહેલા તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિને જયશ્રી રામના નારા પર ભારતીય પ્રશંસકો પર નિશાન સાધ્યું હતું, હવે કોંગ્રેસના નેતાએ પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતવાની શુભેચ્છા આપીને નવો વિવાદ સર્જ્યો છે.