ગરબા આયોજકોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્ણયને આવકાર્યો
ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, હવે રાત્રે 12 વાગ્યે પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે
રાજ્યમાં નવરાત્રીનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમશો તો પણ પોલીસ ગરબા બંધ કરવા નહિ આવે. આ અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં પોલીસ હવે રાસ ગરબાની રમઝટ બંધ નહીં કરાવે. હવે પોલીસ રાતે ગરબા બંધ નહી કરાવે. ગૃહ રાજ્યમંત્રીએ તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી છે. હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય.
સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ ગયો છે. આજે ત્રીજું નોરતુ છે ત્યારે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવેથી પોલીસ 12 વાગ્યા પછી ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહીં આવે. અત્યાર સુધી રાત્રે બાર વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજુરી હતી. પરંતુ હવે ગૃહવિભાગે પોલીસને મૌખિક સૂચના આપી છે કે, કોઈ પોલીસ કર્મી રાત્રે બાર વાગ્યા પછી ગરબા બંધ કરાવવા નહીં જાય. હવે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને મૌખિક આદેશ આપ્યો છે. પોલીસ હવેથી રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા નહીં આવે. જેથી ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે. બીજી તરફ ગરબા આયોજકોએ પણ ગૃહરાજ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો છે.
નવરાત્રી પહેલાં પોલીસ તંત્રએ પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ લાઉડ સ્પીકર બાર વાગ્યા બાદ નહીં વગાડવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ગરબાને રાત્રે બાર વાગ્યા બાદ બંધ કરાવવા માટે પોલીસ સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ પર પહોંચી જતી હતી. પરંતુ હવે ગરબા રસિકો મોડે સુધી ગરબા રમી શકશે. નવરાત્રી દરમિયાન અમદાવાદ શહેરમાં 2100 જેટલા પોલીસ જવાન ખડેપગે રહેશે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ પર ખાસ નજર રાખશે. ગૃહ વિભાગ દ્વારા ડીજીપી ઉપરાંત પોલીસ કમિશનર, જિલ્લા મેજીસ્ટ્રેટ, કલેક્ટર અને પોલીસ અધિક્ષકને જાણ કરવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી હવે નવરાત્રિનો જૂનો સમય પાછો આવશે. એક સમયે સવારે 4-4 વાગ્યા સુધી ગરબાની રમઝટ જામતી હતી. સોસાયટીઓમાં યુવક-યુવતીઓ બિન્દાસ્ત ગરબા માણતા હતા. પરંતુ સમયાંતરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબાના સમય પર નિયંત્રણ મૂકવામાં આવ્યો હતો. રાતે 12 વાગ્યા સુધી જ ગરબા કરી શકાશે તેવો નિયમ લાગુ કરાયો હતો. પરંતુ હવે સરકારે જ છૂટછાટ આપી છે. ગૃહ રાજ્યમંત્રીએ આ સૂચના આપી દીધી છે. ગુજરાતની જનતા સારી રીતે નવરાત્રિ માણી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે કે, 12 વાગ્યા પછી ગરબા બંધ કરાવવા જવુ નહીં.
આમ, ગુજરાતમાં લાંબા સમય બાદ ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરી શકશે. નવરાત્રિના ત્રીજા નોરતે આ નિર્ણય લેવાયો છે, ત્યારે હવે છેક દશેરા સુધી ખેલૈયાઓ છૂટછાટથી ગરબા કરી શકશે.