કલર બનાવતી કંપનીમાં સોલવન્ટના કારણે આગે વિકરાળરૂપ ધારણ કર્યું, ભીષણ આગથી GIDCમાં મચી અફરાતફરી
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી જીઆઇઇડીસીમાં એક પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગ લાગી હોવની માહિતી પ્રાપ્ત થઈ છે. કંપનીમાં કેમિકલ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. આગના પગલે સાત જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ ક્ષણોમાં આગના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળી રહ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર વાપીની GIDCમાં ત્રીજા ફેઝમાં અનુપ પેઇન્ટ્સ કંપની આવેલી છે જેમાં અચાનક આગ લાગી હતી સોલવન્ટ હોવાના કારણે આગે વિકારળરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરની ગાડીઓ દોડતી થઈ હતી. બનાવના પગલે ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે આગ વિકરાળ હોવાથી ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ બનાવમાં એક કર્મચારી દાઝ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.