એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત, અન્ય એક વિદ્યાર્થીની ઘાયલ,
3 કલાક મૃતદેહ રસ્તા પર રહ્યો, શબવાહિની 3 કલાકે આવતાં લોકોમાં રોષ
શહેરમાં હિટ એન્ડ રનની ઘટના વધી રહી છે. રાજકોટમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં વહેલી સવારે નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતાં કોલેજની એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું.
આજે સવારે 22 વર્ષની હેત્વી મોરડીયા સનસાઇન કોલેજમાં જઇ રહી હતી. આ યુવતી એમબીએના પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી. જેથી તે આજે સવારે ટુ વ્હીલર પર અન્ય એક યુવતી સાથે પોતાની કોલેજમાં જઇ રહી હતી. આ દરમિયાન 150 ફૂટના રોડ પર આ દુર્ઘટના ઘટી હતી. હિટ એન્ડ રનમાં હેત્વી મોરડીયાનું મોત થયું છે તથા એક યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
અકસ્માત બાદ શબવાહિની 3 કલાકે આવતાં સાથી છાત્રો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો, જોકે પોલીસે ગણતરીના કલાકોમાં તેને સકંજામાં લીધો હોવાનું જાણવા મળ્યું છે.
હિટ એન્ડ રનની ઘટનામાં આજે સવારે 8 વાગ્યાની ઘટના બની હોવા છતાં 11 વાગ્યા સુધી મૃતદેહ પડ્યો રહ્યો હતો. પોલીસ ઘટનાના ૩ કલાક બાદ પહોંચી હતી. જેમાં કલાકો સુધી મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો હતો. તેથી પોલીસ સામે વિદ્યાર્થીઓનો આક્રોશ છે.