આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય કરવાથી પૂર્વજો પ્રસન્ન થશે તેમજ શનિની સાડાસાતી સાથે ઢૈય્યામાં પણ લાભ થશે
સનાતન ધર્મ અનુસાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજોને યાદ કરીને અને કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ કરીને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પાસે તેમના પૂર્વજો પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવાની પોતાની અલગ અલગ રીતો હોઈ શકે છે.
શ્રાદ્ધપક્ષ અથવા પિતૃપક્ષ સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર, 2023 સુધી છે. શ્રાદ્ધના આ 16 દિવસો દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકમાંથી પૃથ્વી પર આવે છે. આ દિવસો દરમિયાન પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરીને પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. પિતૃ પક્ષની અમાસના દિવસે પિતૃ ધરતી પરથી વિદાય લઇ પરલોક પરત જશે. પિતૃ અમાસ આવતીકાલે 14 ઓક્ટોબરના રોજ છે અને શનિવારનો દિવસ હોવાથી શનિ અમાસનો શુભ યોગ પણ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, પિતૃઓની સાથે સાથે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી પણ લાભ મળે છે.
આ વર્ષે પિતૃ અમાવસ્યા શનિવારના દિવસે હોવાથી તેનું મહત્વ ઘણુ વધી ગયું છે. આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય કરવાથી શનિદેવની સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. શનિની સાડાસાતીની સાથે ઢૈય્યામાં પણ વિશેષ લાભ મળે છે. તો ચાલો જાણીએ કે, પિતૃઓના નામે કઇ વસ્તુઓ દાન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થશે.
શનિ અમાસ પર આ વર્ષે પિતૃઓનું સ્મરણ કરતા તેઓના ઉપયોગની કાળી વસ્તુઓ ચોક્કસથી દાન કરો. આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનની તમામ પ્રકારની સમસ્યાઓનો અંત થાય છે. પિતૃ અમાસ પર તમે કાળા જૂતા, કાળા ચણા, અડદની દાળ, કાળી પેઇન્ટ, કાળા તલ, કાળી છત્રી અથવા સરસવનું તેલ દાન કરશો તો શુભ ફળની પ્રાપ્તિ થશે.
પિતૃપક્ષમાં ગાયની સેવા કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શનિવારે પિતૃ અમાસ પર કાળી ગાયની સેવા કરો. કાળી ગાયની પૂજા કરી તેને સરસવના તેલમાં બનેલા બુંદીના લાડુ ખવરાવો. આવું કરવાથી શનિ દોષથી છૂટકારો મળે છે અને તમારાં સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.