પીએમ મોદીએ કર્યા આદિ કૈલાશ-જોગેશ્વર ધામ અને પાર્વતી કુંડના દર્શન, અહીં જનારા પહેલા પીએમ
ઉત્તરાખંડમાં આવેલ વ્યૂ પોઈન્ટથી પવિત્ર કૈલાશ પર્વત 50 કિમી દૂર, તિબેટ જવાની જરૂર નથી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના એક દિવસીય પ્રવાસે છે. ત્યારે આજે તેઓએ પિથૌરાગઢમાં કૈલાસ વ્યૂ પોઈન્ટથી ભગવાન શિવના ધામ આદિ કૈલાશ પર્વતનાં દર્શન કર્યા અને પાર્વતી કુંડ પહોંચીને પૂજા-અર્ચના કરી. આ વ્યૂ પોઈન્ટ જોલિંગકોંગ વિસ્તારમાં છે જ્યાંથી કૈલાસ પર્વત સ્પષ્ટ દેખાય છે. હવે કૈલાશ પર્વતનાં દર્શન માટે ચીનના કબજા હેઠળના તિબેટ જવાની જરૂર રહેશે નહીં. ચીનની સરહદ અહીંથી 20 કિલોમીટર દૂરથી શરૂ થાય છે. પીએમ નરેન્દ્ર મોદી દેશના પહેલા પીએમ છે, જેમણે ઉત્તરાખંડમાં ભારત-ચીન બોર્ડર પર આદિ કૈલાસ પર્વતની મુલાકાત લીધી હતી. પીએમ મોદી આજે ઉત્તરાખંડને લગભગ 4200 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. પિથૌરાગઢના જિલ્લા અધિકારી રીના જોશીના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદી અલ્મોડામાં ભગવાન શિવના વધુ એક પ્રસિદ્ધ ધામ જાગેશ્વર પણ જશે.
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પીએમ મોદીનો ઉત્તરાખંડનો પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હાલ પીએમ મોદી સીએમ પુષ્કર સિંહ ધામી સાથે પિથોરાગઢ પહોંચી ગયા છે. પીએમ મોદીએ પારંપરિક પગડી અને રંગા (શરીરના ઉપરી ભાગમાં પહેરવામાં આવતું વસ્ત્ર) પહેરીને પાર્વતી કુંડના કિનારે સ્થિત પ્રાચીન શિવ-પાર્વતી મંદિરમાં આરતી કરી. સ્થાનિક પુજારીઓ વીરેન્દ્ર કુટિયાલ અને ગોપાલ સિંહે તેમની પૂજા સંપન્ન કરાવી. પીએમ મોદી આદિ કૈલાશ ચોટી સામે હાથ જોડીને કેટલાક સમય ધ્યાન લગાવીને બેઠા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ઘામી તેમની સાથે હાજર હતા. પીએમ મોદી આદિ કૈલાશ શિખર પહોંચ્યા બાદ ગુંજી ગામમાં પહોંચ્યા હતા. અહીં તેઓએ ગામવાસીઓ સાથે વાતચીત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે પીએમ મોદીના આગમનથી કુમાઉ ડિવિઝનમાં પર્યટન ચોક્કસપણે વધશે.
મહત્વનું છે કે PM નરેન્દ્ર મોદીના ઉત્તરાખંડ પ્રવાસને લઇને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. પીએમ મોદી આર્મી, આઈટીબીપી અને બીઆરઓના જવાનો સાથે વાતચીત કરશે. તેમની સાથે સરહદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી પિથોરાગઢને 4200 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કરશે. બાગેશ્વરથી કનાલીછીના સુધી નેશનલ હાઈવે ડબલ લેન બનાવવામાં આવશે. આ સિવાય સોમેશ્વરમાં 100 બેડનો ઉપજિલા હોસ્પિટલ અને ચંપાવતમાં 50 બેડનું હોસ્પિટલ બનશે. વડાપ્રધાન શાકભાજી અને ફળ પ્રોડક્શન માટે પોલી હાઉસ યોજના અને સફરજનના બગીચા બનાવવા માટે પ્રોત્સાહન યોજનાનો શુભારંભ પણ કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને લઈને ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
ઉત્તરાખંડના ધારચુલાથી 70 કિમી દૂર અને 14000 ફૂટ ઉપર આવેલું એક નાનકડું નિર્જન ગામ ગુંજી આગામી બે વર્ષમાં એક મોટા ધાર્મિક શહેર શિવધામ તરીકે વિકસિત થશે. ધારચુલા પછી, કૈલાસ વ્યૂ પોઈન્ટ, ઓમ પર્વત અને આદિ કૈલાસનાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે આ સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ સ્ટોપ હશે. અહીંયાં મોટા યાત્રી આવાસ અને હોટલ બનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ કંપનીઓનું નેટવર્ક પણ ઉપલબ્ધ થશે. ગામમાં હોમ સ્ટે વધારવામાં આવશે.
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાની 18 હજાર ફૂટ ઊંચી લિપુલેખ પહાડીઓ પરથી કૈલાસ પર્વત સ્પષ્ટ દેખાય છે. અહીંથી પર્વતનું હવાઈ અંતર 50 કિલોમીટર છે. ગુંજી વ્યાસ ખીણમાં સુરક્ષિત જમીન પર આવેલું છે, જ્યાં ન તો ભૂસ્ખલનનો ભય છે કે ન તો પૂરનો. હાલમાં અહીં માત્ર 20થી 25 પરિવારો જ રહે છે, જેઓ ભાગ્યે જ પોતાનો ખર્ચ ઉઠાવી શકે છે. પિથોરાગઢના ડીએમ રીના જોશીના જણાવ્યા અનુસાર, નાભિધંગ, ઓમ પર્વત અને કૈલાસ વ્યૂ પોઈન્ટનો રસ્તો ગુંજીની જમણી બાજુથી જાય છે, જ્યારે આદિ કૈલાસ અને જોલીકોંગનો રસ્તો ડાબી બાજુથી જાય છે. તેથી આ ગામ કૈલાસ યાત્રીઓની સુવિધા માટે યોગ્ય છે.