શિક્ષિકા બની હેવાન: જૂનિયર કેજીમાં ભણતી વિદ્યાર્થિનીને 35 લાફા માર્યા, ઘટના CCTV માં કેદ

sadhna-niketan-school

સુરતની સાધના નિકેતન સ્કુલમાં 4 વર્ષની વિદ્યાર્થીનીના શરીર પર ઈજાના નિશાન પડ્યા

સુરતમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીને ભણાવતા સમયે તેની બાજુમાં બેસીને શિક્ષિકા દ્વારા તેને ભણાવવાને બદલે સતત પીઠ પર માર મારવામાં આવે છે. આ સમગ્ર ઘટના સાધના નિકેતન સ્કૂલની છે અને સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં શિક્ષિકા માસૂમ બાળકીને પીઠ પર 35 અને ગાલ પર 2 તમાચા મારતી જોવા મળે છે.

ઘટનાની વિગત એવી છે કે સુરતના કાપોદ્રામાં વિસ્તારમાં કારગીલ ચોકમાં આવેલી સાધના નિકેતન શાળામાં જૂનિયર કેજીમાં ભણતી એક વિદ્યાર્થીનીને ભણાવતી વખતે શિક્ષિકાએ 35 લાફા ચોડી દીધા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે. પોતાની દીકરીને માર માર્યાની ફરિયાદ કરતાં વાલીએ જણાવ્યું કે, શિક્ષિકાએ ભણાવતી વખતે અમારી દીકરીને 35 લાફા ચોડી દીધા હતાં. અમે તેના પર કેસ પણ કરીશું. શિક્ષિકા એટલી ક્રૂરતાથી મારી રહી છે કે જાણે તેને બાળકો પ્રત્યે કોઈ જ લાગણી ન હોય. આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લાગેલાં CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. શિક્ષિકાએ સ્કૂલમાં માર મારતા જૂનિયર કેજીમાં ભણતી આ વિદ્યાર્થિનીએ તેના માતા-પિતાને આ અંગે ફરિયાદ કરી હતી. જેમાં તેને માર માર્યા બાદ પડેલાં ઈજાના નિશાન પણ બતાવ્યા હતાં. મહત્ત્વનું છે કે, આ ઘટના બાદ બાળકીના માતા-પિતાએ આ અંગે શાળામાં પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરી છે. વાલીએ CCTV ફૂટેજ જોયા હતા. જેમાં શિક્ષિકા બાળકીને 35 લાફા મારતી જોવા મળી હતી. આ પછી વાલીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે આ ઘટના અંગે કેસ પણ કરીશું.

શિક્ષિકાએ બેરહેમીથી માર મારવાના મુદ્દે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તથા DEOએ શિક્ષિકાના રાજીનામાનો પત્ર માંગ્યો છે. શિક્ષિકા સામે તમામ કાર્યવાહી કરવામાં આવશે. તથા કોઈ પણ શિક્ષક બેરહેમીથી મારશે તો સજા થશે. અને નિર્દયતા સહન કરી લેવામાં આવશે નહિ. આવી નિર્દયતા બાળકના માનસ પર વિકૃત અસર કરે છે. સુરતમાં બાળકીને માર મારવાની ઘટના અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે આવી ઘટના ચલાવી લેવાય નહી. આ બાદ શિક્ષિકા જશોદા ખોખરીયાને શાળામાંથી સસ્પેન્ડ કરાયા છે.