ઈઝરાયેલના PM નેતન્યાહુએ પડકાર ફેંક્યો, “આ યુદ્ધ અમે જીતીશુ, દુશ્મન કિંમત ચૂકવશે”, ‘અમે યુદ્ધમાં છીએ અને અમે જીતીશું
આપણા દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય
ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે હુમલો કરી દીધા બાદ હવે ઇઝરાયેલે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે શનિવારે ગાઝા પટ્ટીમાંથી હમાસ દ્વારા ઈઝરાયેલ પર મોટા પ્રમાણમાં રોકેટ હુમલા કરવામાં આવ્યા છે. હુમલા બાદ ઈઝરાયેલના PM નેતન્યાહુએ હવે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ સાથે જ રક્ષા મંત્રી યોવ ગેલન્ટે પણ દેશભરના નાગરિકોને એલર્ટ કર્યા છે. ગેલન્ટે કહ્યું હતું કે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ સામે “યુદ્ધ” શરૂ કર્યું છે. આ ગંભીર ભૂલનું પરિણામ હમાસ ચોક્કસપણે ભોગવશે. ઇઝરાયેલ સેનાનાં વિમાનો ગાઝા પટ્ટી સ્થિત હમાસનાં ઠેકાણાંને નિશાન બનાવી રહ્યાં છે.
ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને હમાસને કડક ચેતવણી આપી છે. હુમલા અંગે ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ કહ્યું હતું કે, ‘અમે યુદ્ધમાં છીએ અને અમે જીતીશું. આપણા દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.
પીએમ નેતન્યાહુએ ઈઝરાયેલના નાગરિકોને સંબોધીને કહ્યું, “આપણે યુદ્ધની સ્થિતિ વચ્ચે ઉભા છીએ. કોઇ ઓપરેશન નહીં, યુદ્ધ. આ સવારે હમાસે ઇઝરાયેલ અને તેના નાગરિકો પર ઘાતકી હુમલો કરી દીધો હતો, જેની સામે આપણે સવારથી લડી રહ્યા છીએ. મેં સુરક્ષા અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. સૌથી પહેલાં જે આતંકવાદીઓ ઘૂસી આવ્યા છે તેમનો સફાયો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.”
રક્ષામંત્રી યોવ ગેલન્ટે દેશભરના નાગરિકોને એલર્ટ કર્યા છે. ગેલન્ટે કહ્યું હતું કે, ‘પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. આ ગંભીર ભૂલનું પરિણામ હમાસ ચોક્કસપણે ભોગવશે. ગેલન્ટે એક નિવેદનમાં કહ્યું હતું કે, હમાસે આજે સવારે એક ગંભીર ભૂલ કરી છે. ઈઝરાયેલે પણ હવે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ઇઝરાયેલની સેના દરેક જગ્યાએ દુશ્મનો સામે લડી રહી છે. હું તમામ ઇઝરાયેલી નાગરિકોને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા કહું છું. તેમણે ટ્વિટર પરના એક વિડિયો નિવેદનમાં જણાવ્યું હતું. ઇઝરાયેલ રાજ્ય આ યુદ્ધ જીતશે.
હમાસને જવાબ આપવા માટે ઇઝરાયેલની સેનાએ ‘ઑપરેશન સ્વોર્ડસ ઑફ આયરન’ લૉન્ચ કર્યું છે. મોટાપાયે લૉન્ચ કરવામાં આવેલા આ ઓપરેશન હેઠળ ઇઝરાયેલ સેના હમાસનાં ઠેકાણાંને નિશાન બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સેના ગાઝા સ્થિત હમાસના આતંકીઓના કેમ્પો ઉડાવતી જોવા મળે છે.
ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તે ગાઝા પટ્ટીમાં કેટલાક ટાર્ગેટને નિશાન બનાવી રહી છે. આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી છે. યરુસલેમમાં હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વાગી રહ્યા છે. અગાઉ હમાસની લશ્કરી નેતાએ નવી લશ્કરી ઝુંબેશના ભાગરૂપે ઇઝરાયેલ પર 5,000થી વધુ રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.