સુરતની કંપનીમાં કોમ્પ્રેસરનો પાઇપ ફાટી જતા 19 વર્ષીય કારીગરનું મોત નીપજ્યું

jyoti craft

જ્યોતિ ક્રાફ્ટ કંપનીમાં એર ટેન્કની પાઇપ ફાટતાં વજનદાર ટેન્ક ઊછળીને કામ કરતા યુવકના માથે પડતા મોત

સુરતના ખટોદરા વિસ્તારમાં સોસિયો સર્કલ પર આવેલી જ્યોતિ ક્રાફ્ટ નામની કંપનીમાં થઈ રહેલા કોમ્પ્રેસર મશીનના કામ દરમિયાન અચાનક કમ્પ્રેસરમાં એર ટેન્કનો પાઈપ ફાટી જતા ટેન્ક ઊછળીને યુવકના માથે પડી હતી. ખૂબ જ વજનવાળી ટાંકી કામ કરતા 19 વર્ષીય યુવક પર પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બનતા તાત્કાલિક જ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. ખટોદરા પોલીસે મૃતદેહને પી. એમ. અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જુવાનજોધ પુત્રના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવક આઠ દિવસ પહેલાં નોકરી પર વાગ્યો હતો. યુવકનો ભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી આ કંપનીમાં નોકરી કરતો હતો.

જે સમયે આ દુર્ઘટના બની તે સમયે કારખાનાનાં માલિક બહાર હતા. કારખાનામાં માત્ર ત્રણ જેટલા કર્મચારીઓ હાજર હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક જ હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેમણે આ ઘટના પાછળ એર કોમ્પ્રેસર મશીન ફિટ કરવા આવનાર વ્યક્તિને જવાબદાર ગણાવ્યો છે. એર કોમ્પ્રેસિંગ મશીન ફિટિંગમાં બેદરકારી રાખવા બદલ આ યુવાનનું મોત થયુ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.