આ કેસમાં આરોપી દિનેશ આરોરાની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે
ED લિકર કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. દિલ્હી લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – EDએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ બુધવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. EDએ લિકર કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી સાંસદ સંજયસિંહની ધરપકડ કરી છે. ED દ્વારા સવારથી આપ નેતાની પૂછપરછ ચાલી રહી હતી. બીજી તરફ સંજયસિંહના ઘરની બહાર આપના કાર્યકર્તા એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ તેઓએ નારેબાજી કરી હતી. ઈડીએ ગત દિવસોમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સંજય સિંહનું પણ નામ સામેલ હતુ.
દરમિયાન ઈડીએ લાંબી પુછપરછ બાદ સંજય સિંહની ધરપકડ કરી છે.
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે- આજે અચાનક જ ED મારા ઘરે પહોંચી. આખો દિવસ દરોડાના કાર્યવાહી કરી. પરંતુ કંઈ જ ન મળ્યું. સંજય સિંહે કહ્યું કે પરાણે મારી ધરપકડ કરવામાં આવી રહી છે પરંતુ અમે લોકો આમ આદમી પાર્ટીના સિપાહી છીએ. અમે મોદીજીને કહેવા માગીએ છીએ કે તમે ખરાબ રીતે ચૂંટણી હારી રહ્યાં છો. આ તમારી હતાશા અને હારના સંકેત છે. તેમણે કહ્યું કે- જ્યારે જ્યારે જુલમ વધે છે, ત્યારે-ત્યારે તેના વિરુદ્ધ જનતાનો અવાજ બુલંદ બને છે. સંજય સિંહે કહ્યું કે મરવાનું મંજૂર છે, ડરવાનું મંજૂર નથી. તેમણે કહ્યું કે પહેલા પણ આ અંગે બોલતો આવ્યો છું, આગળ પણ બોલતો રહીશે.
મળતા અહેવાલો મુજબ ઈડીની ટીમે સંજય સિંહની 10 કલાક સુધી પુછપરછ કરી હતી. પુછપરછ બાદ ઈડીએ સંજય સિંહની ધરપકડ કરીહતી. પૈરામિલિસ્ટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. તો બીજીતરફ સંજય સિંહના ઘરની બહાર આમ આદમી પાર્ટી કાર્યકરો એકઠા થયા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સંજય સિંહને હેડક્વાર્ટર લઈ જવાયા બાદ તેઓ આખી રાત લોકરમાં જ રહેશે અને સવારે મેડિકલ તપાસ બાદ કોર્ટમાં લવાશે જ્યાં સંજય સિંહની કસ્ટડીની માંગ કરવામાં આવશે…
ઉલ્લેખનિય છે કે, સંજય સિહના ઘરે દરોડા પાડ્યાના એક દિવસ પહેલા જ દિલ્હીની એક કોર્ટે લિકર કૌભાંડમાં મની લોન્ડ્રિંગ કેસમાં YRS સાંસદ શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘલ મગુંડા અને બિઝનેસમેન દિનેશ અરોરાને સરકારી સાક્ષી બનાવવાની મંજુરી આપી હતી. આ કેસમાં આરોપી દિનેશ આરોરાની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે.
ઈડીએ ચાર્જશીટમાં એવો આરોપ લગાવ્યો હતો કે, દિનેશ અરોરાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. આ બેઠકમાં સંજય સિંહ પણ ઉપસ્થિત હતા. પૂછપરછ દરમિયાન દિનેશ અરોરાએ કહ્યું હતું કે, સૌથી પહેલા સંજય સિંહને એક કાર્યક્રમમાં મળ્યો હતો. ત્યારબાદ મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી ચૂંટણી પહેલા આપ નેતા દ્વારા ફંડ એકઠો કરવાનો આ કાર્યક્રમ હતો.