રાહુલ ગાંધી સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યુ, લંગરમાં ભોજન કર્યા બાદ વાસણ ધોઈને સેવા કરી

Rahul Gandhi

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં જઈને સેવા અર્પણ કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2 ઓક્ટોબર, સોમવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં જઈને સેવા અર્પણ કરી હતી. શ્રી હરમંદિર સાહિબમાં જઈને માથું ટેકવીને એમણે દેશની ખુશી માટે અરદાસ કરી હતી. રાહુલ આ એમની અંગત અને આધ્યાત્મિક મુલાકાત માટે આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓને એ વખતે હાજર ન રહેવા જણાવાયું હતું.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારે પોતાની અંગત યાત્રા અંતર્ગત અમૃતસર પહોંચ્યા. આ દરમિયાન તેમણે સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું. જે બાદ રાહુલ ગાંધીએ લંગરમાં ભોજન કર્યું અને પછી વાસણ ધોઈને સેવા પણ કરી. મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલે શીખ સંપ્રદાયની સર્વોચ્ચ ધાર્મિક બેઠક અકાલ તખ્તની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ભક્તોએ ઉપયોગમાં લીધેલા પીવાના પાણીના વાટકાઓને સાફ કરીને સેવા બજાવી હતી. રાહુલ ગાંધીએ આ વખતે માથા પર પાઘડીની જગ્યાએ બ્લૂ રંગનો પટકા પહેર્યો હતો. આ પહેલાં રાહુલ ગાંધી અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં તેમણું રાણા કેપી સિંહ, સાંસદ ગુરજીતસિંહ ઔજાલા, ઈન્ટક નેતા સુરિંદર શર્મા તથા અન્ય નેતાઓએ સ્વાગત કર્યું. સુવર્ણ મંદિરમાં પહોંચ્યા બાદ પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનો અન્ય ધાર્મિક સ્થળોએ પણ માથું ટેકવવાનો કાર્યક્રમ છે. તેમની આ મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા ભારત જોડો યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધી સુવર્ણ મંદિર માથું ટેકવવા પહોંચ્યા હતા.

એવું પણ કહેવાય છે કે વરિષ્ઠ નેતા રાજ્યની રાજકીય પરિસ્થિતિઓ ખાસ કરીને સુખપાલસિંહ ખૈરાની રાજ્યની આપ સરકાર દ્વારા કરવામાં આવેલી ધરપકડ અંગે જાણકારી આપવા માટે તેમની સાથે મુલાકાતનો પ્રયાસ કરશે. પાર્ટી નેતાઓને જો ચાન્સ મળશે તો તેઓ તે કાર્યકર્તાઓ અને નેતાઓ અંગે પણ જણાવશે જેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલામાં તપાસ કરતા રાજ્ય સરકારે તેમણે જેલમાં નાખ્યા છે.