ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યો, જૈન સંઘના 200થી વધુ લોકોએ શિખર પર હોબાળો કર્યાનો આરોપ
શિખર ઉપર બનેલી ઘટના ખૂબ જ દુઃખદાયક છે : મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામદાસ
જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય શિખર પર વિવાદ મામલે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. આ વિવાદ મામલે દતાત્રેય શિખરના મહંત મહેશગીરીના આવ્યા બાદ નિર્ણય લેવાશે. મહંત મહેશગીરી હાલ દિલ્હીમાં છે.
જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય શિખર પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે ગુરૂ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી હતી. જૈન સંઘના લોકોએ આ હોબાળો કર્યો હોવાનો ગુરુ દત્તાત્રેયના સેવકોએ આરોપ લગાવ્યો છે. ત્યારે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. શિખર પર દિગમ્બર જૈન સંઘ દ્વારા 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કરી ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાએ ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જય નેમિનાથના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ વિવાદનો વીડિયો પણ સામે આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થયો છે.
સેવકોએ સીધો આરોપ જૈન સંઘના લોકો પર લગાવ્યો છે. શિખર પર ધર્મસ્થાન પર આ હોબાળો થયો હોવાનુ કહેવામાં આવ્યુ છે. જુનાગઢના દત્ત શિખર ઉપર થયેલા હુમલાનો મામલે તેના ઘેરા પ્રત્યઘાત જોવા મળી રહ્યા છે. જેમાં ભવનાથ પોલીસ શિખર ઉપર પહોંચી છે. આ માટે ફરિયાદ અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
દત્ત શિખર હુમલાની ઘટના ને લઈને સાધુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામદાસની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે, સાધુ સમાજ અને જૈન લોકો સાથે ઉકેલ લાવવો જોઈએ. શિખર ઉપર બનેલી ઘટના ખૂબ જ દુઃખદાયક છે. વારંવાર આવી ઘટનાઓ બનતા સેવકોમાં નારાજગી જોવા મળી રહી છે.
જ્યારે જૈન દિગંબર સમાજ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ મામલે તેમણે કહ્યું કે, જુનાગઢ જૈન સમાજને આ મામલે કોઈ લેવાદેવા નથી. જ્યારે આ મામલે સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખે જણાવ્યું કે, આ મામલે શાંતિ અને વાર્તાલાપથી જ પ્રશ્નનોના ઉકેલ લાવી શકાય છે. દત્તાત્રેય શિખર ઉપર સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. હુમલો કરાનાર પર કાર્યવાહી કરવામાં આવશે.