બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા, રાજ્યની કુલ વસતી 13 કરોડ 7 લાખથી પણ વધુ

bihar-cast-census

ઉચ્ચ જાતિઓની સંખ્યા 15.52 ટકા, 36.01 ટકા અતિ પછાત વર્ગ, 27.13 ટકા પછાત વર્ગ

બિહારમાં 2 કરોડ 83 લાખ 44 હજાર પરિવાર, બિહારની લગભગ 82 ટકા વસ્તી હિંદુ અને 17.7 ટકા મુસ્લિમ

બિહાર જાતિગત વસતિગણતરીના આંકડા જાહેર કરનાર પહેલું રાજ્ય

બિહાર સરકારે આજે જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આજે બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યો છે.

આજે બિહાર સરકાર વતી રાજ્યનાં મુખ્ય સચિવ વિવેક સિંહે પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે, બિહાર સરકારે જાતીય આધારિત વસતી ગણતરી પૂર્ણ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરી 2022ની પુસ્તિકા બહાર પાડી હતી. આ પુસ્તક દ્વારા બિહારની જાતિ ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કુલ વસ્તી 13 કરોડ 7 લાખથી વધુ છે. બિહારમાં 2 કરોડ 83 લાખ 44 હજાર 160 પરિવારો છે. આમાં પછાત વર્ગ 27.12%, અતિ પછાત વર્ગ 36.01%, અનુસૂચિત જાતિ 19.65%, અનુસૂચિત જનજાતિ 1.68% અને સામાન્ય વર્ગ 15.52% છે. વધુમાં તેમણે જણાવ્યું કે,

બિહાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, બિહારમાં 82% હિંદુઓ, 17.7% મુસ્લિમો, .05% ખ્રિસ્તીઓ, .08% બૌદ્ધ, 0016% નો કોઈ ધર્મ નથી.

બિહારમાં ઉચ્ચ જાતિઓની સંખ્યા 15.52 ટકા, ભૂમિહારની વસ્તી 2.86 ટકા, બ્રાહ્મણની વસ્તી 3.66 ટકા, નૌનિયા 1.9%, કુર્મીની વસ્તી 2.87 ટકા, મુસહરની વસ્તી 3 ટકા, યાદવની વસ્તી 14 ટકા, કોઈરી- 4.2, કાયસ્થ-.60, મોચી, ચમાર, રવિદાસ- 5.2, વેપારી- 2.31, નાવિક- 2.60 અને રાજપૂતની વસ્તી 3.45 ટકા છે.

બિહારની કુલ વસ્તી 13,07,25,310 છે, જેમાં બિહારની બહાર રહેતા લોકોની સંખ્યા 53 લાખ 72 હજાર 22 છે. બિહાર રાજ્યમાં રહેતા લોકોની કુલ વસ્તી 12 કરોડ 53 લાખ 53 હજાર 288 છે. જેમાં પુરૂષોની કુલ સંખ્યા 6 કરોડ 41 લાખ 31 હજાર 990 છે જ્યારે મહિલાઓની સંખ્યા 6 કરોડ 11 લાખ 38 હજાર 460 છે જ્યારે અન્ય લોકોની સંખ્યા 82 હજાર 836 હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પછાત વર્ગ 3,54,63,936, અત્યંત પછાત વર્ગ 4,70,80,514, અનુસૂચિત જાતિ 2,56,89,820, અનુસૂચિત જનજાતિ 21,99,361, બિન અનામત 91,679. છે.

બિહાર વિધાનસભાના તમામ 9 પક્ષોની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર તેના પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે. તેની મંજૂરી 02-06-2022 ના રોજ મંત્રી પરિષદમાંથી આપવામાં આવી હતી. તેના આધારે રાજ્ય સરકારે પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી હતી. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સરકાર ઈચ્છે તો વસ્તી ગણતરી કરાવી શકે છે. આ પછી તરત જ નીતીશ સરકારે જાતિ ગણતરી અંગે આદેશ જાહેર કર્યા હતા.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને કહ્યું- આજે ગાંધી જયંતિના શુભ અવસર પર બિહારમાં કરવામાં આવેલ જાતિ આધારિત વસ્તીગણતરીનો ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના કાર્યમાં રોકાયેલી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન! જાતિ આધારિત ગણતરીનો પ્રસ્તાવ વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. નીતીશ કુમારના કહેવા પ્રમાણે, બિહાર સરકાર જાતિ ગણતરી કરવા માગતી નથી પરંતુ માત્ર લોકોની આર્થિક સ્થિતિ અને તેમની જાતિ સાથે જોડાયેલી માહિતી એકઠી કરવા માગે છે. જેથી તેમના ભલા માટે યોજનાઓ બનાવી શકાય. સરકાર તેમને વધુ સારી સેવા આપવા માટે ગ્રાફ તૈયાર કરી શકે છે. નીતીશ સરકારના આ પગલાને કારણે ઘણા રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવી પડી શકે છે.

ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું છે કે આ એક ઐતિહાસિક ક્ષણ છે, દાયકાઓના સંઘર્ષનું પરિણામ છે.

બીજી બાજુ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે આજે ગાંધી જયંતિ પર આ ઐતિહાસિક ક્ષણના અમે સાક્ષી બન્યા છીએ. ભાજપે અનેક કાવતરાં, કાનૂની અવરોધ અને તમામ ષડયંત્ર કર્યા છતાં આજે બિહાર સરકારે જાતિ આધારિત સરવે જાહેર કરી દીધો. આ આંકડા વંચિતો, ઉપેક્ષિતો અને ગરીબોના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે સમગ્ર યોજના બનાવવા તથા હાંસિયામાં ધકેલાયેલા સમૂહોની વસતીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં દેશ માટે ઉદાહરણ પૂરું પાડશે. સરકારે હવે સુનિશ્ચિત કરવું જોઈએ કે જેની જેટલી વસતી તેની તેટલી ભાગીદારી. કેન્દ્રમાં જ્યારે 2024માં અમારી સરકાર બનશે તો અમે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું.