વિધર્મી યુવકો દ્વારા મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરતા હિન્દૂ યુવકોને જોઈ ઉશ્કેરની જનક તેમજ ધાર્મિક લાગણી દુભાઈ તેવા શબ્દોનો પ્રયોગ કરી ધમકી આપતા મામલો બીચકયો હતો
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ વિસર્જન અને ઈદનો તહેવાર ઉજવાણી કરવામાં આવી હતી, ત્યારે આ તહેવાર પર વડોદરાના પાદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. ગઈકાલે શુક્રવારે પાદરામાં અંબાજી માતાના ચોક પાસે મોડીરાત્રે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
પાદરામાં આવેલા અંબાજી તળાવ ખાતે કેટલાક યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા. ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા મહંમદ પયગમ્બરના જન્મદિવસ નિમિત્તે કાઢવામાં આવેલ જુલૂસમાં કેટલાક વિધર્મી યુવકો દ્વારા મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરતા હિન્દૂ યુવકોને જોઈ ઉશ્કેરની જનક તેમજ ધાર્મિક લાગણી દુભાઈ તેવા શબ્દોનો પ્રયોગ કરી ધમકી આપતા મામલો બીચકયો હતો. આ પછી બંને કોમના ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી.
મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને જૂથના ટોળાને સમજાવી છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ટોળા વિખૂટા પડ્યા ન હતા અને બંને જૂથના લોકોએ આક્ષેપો-પ્રતિ આક્ષેપો કરીને વાતાવરણને ઉગ્ર બનાવી દીધું હતું તેમ છતા પોલીસે મામલો થાળે પાડી દીધો હતો. અંબાજી માતાના મંદિર પાસે બે ટોળા સામસામે આવી ગયા બાદ હિન્દુ સંગઠનો પાદરા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા લગાવી કાર્યવાહીની માગ કરી હતી. પોલીસ મથકે ટોળા એકઠા થતાં વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. સમગ્ર પાદરામાં સન્નાટો વ્યાપી ગયો હતો. લોકો રસ્તાઓ ઉપર આવી ગયા હતા. આ ઘટનામાં પોલીસે 13 તોફાનીના નામ જોગ સહિત 20ના સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી 22ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પથ્થરમારો થયાની વાતને પોલીસે નકારી કાઢી હતી.