વડાપ્રધાન મોદીએ 50 વર્ષે એક કામ થાય એવા 4 કામ 3 મહિનામાં કર્યા :અમિત શાહ
છેલ્લા 52 મહિનામાં 17 હજાર કરોડથી વધુના કામ થયા, 1650 કરોડના 39 કામો અમદાવાદમાં કરાયા
NDAની સરકાર ભારતને વિશ્વમાં સ્થાન અપાવવા સજ્જ છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોની ભેટ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ત્રાગડમાં ગાર્ડનનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. અમદાવાદ પૂર્વ – પશ્વિમ લોકસભાના સાંસદ હાજર રહ્યા છે. તેમજ શહેરની વિધાનસભાના ધારાસભ્ય પણ હાજર રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે રાજ્યમાં 1500 કરોડથી વધુના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. એક પ્રકારથી તમામ વોર્ડમાં કોઈને કોઈ ભેટ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમે નાગરિકોને માગ્યા પહેલા જ સુવિધાઓ આપી છે. સર્વસમાવેશી વિકાસના અભિગમની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે વિકાસ કાર્યોની ભેટમાં શહેરનો એક પણ વોર્ડ છૂટતો નથી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા 52 મહિનામાં 17,544 કરોડના ખર્ચે 11,000 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જેના બદલ ગાંધીનગરના સાંસદ તરીકે તેમણે રાજ્ય સરકારનો આભાર માનીને સ્થાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં.’
ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન મોદીની સિદ્ધિ અંગે વાત કરતાં જણાવ્યું કે, ‘એક કામ કરતા 50 વર્ષ લાગે એવા 4 કામ માત્ર 3 મહિનામાં થયા. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ચંદ્રયાન પર તિરંગો ફરકતા વિશ્વે જોયો. ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. G-20ના સફળ આયોજનને વિશ્વે વધાવ્યું છે.. તેમણે કહ્યું કે, આફ્રિકન યુનિયનને G20 સંગઠનમાં સમાવી નરેન્દ્રભાઇએ ભારત વિકસિત અને વિકસતા દેશોની સાથે છે તેવો સંદેશ વિશ્વને આપ્યો છે. NDAની સરકાર ભારતને વિશ્વમાં સ્થાન અપાવવા સજ્જ છે.
ગૃહમંત્રી દ્વારા કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, ઓવરહેડ ટાંકી, ત્રાગડ ખાતે લલિતા ગોવિંદ ઉદ્યાન, કોમ્યુનિટી હોલ, એમ.એસ.પાઇપલાઇન સહિતના AMC અને ઔડાના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
અમિતભાઇ શાહે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતૃશક્તિના સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ નારી શક્તિ વંદના અધિનિયમ થકી આપ્યું છે. નવી સંસદમાં પહેલું બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે મહિલાઓનું સન્માન વધાર્યું છે એમ તેમણે ઉમેર્યું. ૨૦થી વધુ પ્રકારનું કામ કરતા કારીગરોને એક તાંતણે બાંધવાનું કામ પીએમ વિશ્વકર્મા યોજનાથી થયું. તેમણે કહ્યું કે, આઝાદી બાદ પહેલીવાર પરંપરાગત કામ કરતા કારીગરોને યોજનામાં સામેલ કરાયા છે. જેનાથી છેવાડાના માનવીઓને સમાનતાનો અહેસાસ થયો છે.
અમિતભાઇ શાહે સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વૃક્ષઆચ્છાદન વધારી હરિયાળો બનાવવા માટે આહવાન કરી, યુવાનો અને મહિલાઓને વૃક્ષારોપણ અને જતન માટે પ્રેરિત કર્યા હતા. આ સાથે જ ત્રાગડની વાત કરતાં અમિત શાહે કહ્યું કે, ત્રાગડમાં હું ધારાસભ્ય બન્યો ત્યારે 2003માં શરૂ કરી હતી. અત્યારે ત્રાગડે વિકાસની હરણફાળ બની છે. અનેક વૃક્ષો ત્રાગડમાં મેં વાવેલા જોયા છે અને તેનો શ્રેય અહીંની જનતાને જાય છે. હજી પણ ઘરની આસપાસ ત્રણ વૃક્ષ જરૂર વાવજો.