ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાય તેવું કૃત્ય આચરવા બદલ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ સામે અમદાવાદમાં નોંધાઈ FIR

pannu

સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ ફરતી કરવામાં આવી છે જે ઓડિયો પન્નુએ પોતે જાહેર કર્યો હતો જેમાં વર્લ્ડ કપ દરમિયાન મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપી હતી

ICC ક્રિકેટ વર્લ્ડ કપ- 2023, 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. 12 વર્ષ બાદ ભારતમાં 50 ઓવરનો ક્રિકેટ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 4 ઓક્ટોબરે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાશે ત્યારે ખાલીસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપી હતી. જેના પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આજે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ ગંભીર મામલામાં ખુદ પોલીસ જ ફરિયાદી બની છે.

ફરિયાદમા જણાવ્યા અનુસાર, 28 સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકીભર્યા કોલ અલગ-અલગ વ્યક્તિઓને આવી રહ્યાં હતા. જેમા પ્રીરેકોર્ડેડ વોઇસ ક્લીપ રન કરવામાં આવતી હતી. જે લોકોને આ પ્રકારના ધમકીભર્યા કોલ આવ્યા હતા તેમણે વિવિધ માધ્યમો થકી પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમજ પોલીસને પ્રીરેકોર્ડેડ વોઇસ ક્લીપ મોકલવામાં આવી હતી. જે અજાણ્યા મોબાઈલ નંબર પરથી લોકોને પ્રીરેકોર્ડેડ વોઇસકોલ સંભળાવવામાં આવતી હતી તેમાં છેલ્લે મેસેજ ફ્રોમ ગુરુપતવંતસિંહ પન્નુ એમ બોલતા હતા.

પોલીસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પ્રિરેકોર્ડેડ વોઇસ ક્લિપ ફરતી કરવામાં આવી છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ ઓડિયો પન્નુએ પોતે જાહેર કર્યો હતો. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી. શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી હતી. તેની તરફથી એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે માત્ર ખાલિસ્તાની ઝંડાઓ જ જોવા મળશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવામાં આવશે. એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી પન્નુનો ઓડિયો તેના સમર્થકો તેમજ જુદા-જુદા વ્યક્તિઓને મોકલવામાં આવ્યો હતો. આ ઓડિયો ક્લિપમાં છેલ્લે ગુરપતવંતસિંહ પન્નુ બોલવામાં આવે છે.

ગુરપતવંતસિંહ પન્નુ ભારત બહાર રહી ખાલિસ્તાન ચળવળના નામે ‘શીખ ફોર જસ્ટિસ’ (SFJ)ના નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતો મુખ્ય સૂત્રધાર છે. જેને ભારત સરકાર દ્વારા આંતકવાદી જાહેર કરવામાં આવ્યો છે. પન્નુ દ્વારા ભારત દેશની એકતા-અખંડિતતા, સાર્વભૌમત્વને નુકસાન થાય અને લોકોમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા પ્રકારની અને ભારતના મહાનુભાવોને ચીમકી આપતા જુદા-જુદા વીડિયો અને ટિપ્પણીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરવામાં આવી હતી. ખાસ કરીને x ટ્વિટર ઉપર આવા વીડિયો અને ટિપ્પણીઓ કરી દેશમાં આતંકવાદી પ્રવૃત્તિનું કાવતરું કરી ગુનો કરતા સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

ધમકી ભરી વોઇસ ક્લીપ લોકોને સંભળાવી લોકોમાં ભય પેદા કરવા તથા વૈમનશ્ય અને ત્રાસ ફેલવવાનું કૃત્ય કરવા બદલ તેમજ શીખ સમુદાય અને અન્ય વર્ગના લોકોમાં ઉશ્કેરાટ પેદા કરવાનો પ્રયાસ કરી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાય તેવું કૃત્ય આચરવા બદલ સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે સાઈબર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.