ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે , 1700 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

amitShah

અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે. આવતીકાલે 7 કાર્યક્રમોમાં હાજર રહેશે.
પાલજમાં નાઈપરના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે, AMC અને ઔડાના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
RSS ચીફ મોહન ભાગવત સાથે પણ તેમની મુલાકાતની શક્યતા

ભારતના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ આજે ગુજરાત આવશે. તેઓ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતી કાલે શનિવારે 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં તેઓ સાત જેટલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને 1700 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ-RSS ચીફ મોહન ભાગવત પણ હાલમાં અમદાવાદમાં છે. આથી આ બંને વચ્ચેની મુલાકાતની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. પાલજમાં નાઈપરના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે. AMC અને ઔડાના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. GCCIમાં ઉદ્યોગપતિને સંબોધન કાર્યક્રમનું આયોજન છે

ગૃહમંત્રી અમિત શાહ શનિવારે સવારે 9:45 કલાકે સૌથી પહેલાં સરખેજ વોર્ડના ઓકાફ તળાવનું ખાતમુર્હુત કરશે, ત્યારબાદ થલતેજ વોર્ડના ભાડજ ગામનાં ગામ તળાવનું, ગોતાના ઓગણજના તળાવનું ખાતમુર્હુત કરશે, ત્યાર બાદ 11 કલાકે ચાંદલોડીયાના જગતપુર ગામના તળાવનું ખાતમુર્હુત કરશે. આ કાર્યક્રમમાં તેઓ સ્થળ ઉપર રૂબરૂ જશે. ત્યાર બાદ તેઓ ચાંદલોડિયા વોર્ડના ત્રાગડ ગામના નવનિર્મિત તળાવ તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાપર્ણ કરશે અને મોટી જનસભાને પણ સંબોધશે.

આ પછી ત્રાગડ ગામ તળાવ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હુત અને લોકાપર્ણ કરશે. અમદાવાદના આ કાર્યક્રમો બાદ ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના પાલજ એરપોર્ટ સ્ટેશન સામે આવેલા રાષ્ટ્રીય ફાર્માસ્યૂટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થા-નાઈપરના નવા ભવનનું લોકાપર્ણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.