દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા હતા તે દરમિયાન આ દુઃખદ ઘટના ઘટી
ઓરિસ્સા ખાતે ફરજ બજાવતા કોબ્રા કમાન્ડોની ટીમના જવાન દિલીપભાઈ સોલંકી ગઈકાલે શહીદ થયા હતા. શહીદ દિલીપભાઈના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટથી બપોરે તેમના માદરે વતન ઝારેરા લઈ જવામાં આવશે અને ત્યાર બાદ અંતિમ યાત્રા કરવામાં આવશે.
મળતી વિગતો અનુસાર દ્વારકા જિલ્લામાં આવેલ ભાણવડના ઝારેરા ગામમાં રહેતા ગોવાભાઈ મેસાભાઈ સોલંકીના નાના પુત્ર 26 વર્ષના દિલીપભાઈ સોલંકી 7 વર્ષ પૂર્વે આર્મીમાં જોડાયા હતાં. તેઓ કોબ્રા કમાન્ડો તરીકેની મહત્ત્વની જવાબદારી બજાવતાં હતાં. જવાન દિલીપભાઈ સોલંકીની થોડા સમય પેહલાં જ સગાઈ થઈ હતી અને આગામી મહિનામાં તેમનાં લગ્ન થવાના હતાં. તેવામાં આ સમાચાર મળતા કુટુંબીજનો ઘેરા દુઃખમાં ડુબી ગયા છે. બે ભાઈઓમાં નાના અને અપરિણીત તેવા સગર દિલીપભાઈ સોલંકીનું અકાળે મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જવાન ફરજ દરમિયાન શહીદ થતાં ભાણવડ પંથક સાથે સમગ્ર દ્વારકા જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે. તઓ ફરજ પર હાજર હતા તે દરમિયાન તે શહીદ થયાના સમાચાર મળતાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી.