વડોદરાની MS યુનિવર્સિટીમાં શિવમંદિર પાસે 3 વિદ્યાર્થીએ નમાઝ પઢી હોવાનો વીડિયો વાઇરલ

MS યુનિવર્સિટીમાં ફરી નમાઝ વિવાદ: ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું

વિદ્યાર્થીઓએ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો અને યુનિ.માં નમાઝ અદા કરનાર સામે પગલાં લેવા માગ કરાઈ

વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં ફરી એકવાર જાહેરમાં નમાઝ પઢતો વીડિયો વાઇરલ થયો છે. એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મહાદેવ મંદિર પાસે 4:45 વાગ્યાના સમયે 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાનો વીડિયો બહાર આવતાં હોબાળો મચી ગયો છે હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું હતું. એફવાયબીકોમમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીએ જાહેરમાં નમાઝ અદા કરી હોવા છતાં ત્યાં હાજર સિક્યોરિટી અને વિજિલન્સની હાજરી પર પ્રશ્ન ઊભા થયા હતા. વિજિલન્સના અધિકારીઓને છૂટા કરી દેવાયા બાદ યુનિવર્સિટીની સિક્યોરિટી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો પણ આ ઘટનાથી અજાણ છે. તો કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે અને યુનિવર્સિટીમાં નમાઝ અદા કરનાર સામે પગલાં લેવા માગ કરવામાં આવી છે.

આ બાબતની જાણ થતા યુનિવર્સિટી સત્તાધિશો દોડતા થઈ ગયા છે. કોમર્સ ફેકલ્ટીની સામે ભગવાન શિવજીના મંદિર પાસે જાહેરમાં 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાના વીડિયો વાઇરલ થતાં ફરીથી વિવાદ છેડાયો છે. આ મામલે એમ.એસ.યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીની હાઇપાવર કમિટી વિદ્યાર્થીઓને બોલાવીને તપાસ કરીને નિર્ણય કરશે. તો વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ ગંભીર છે. એવું લાગે છે કે, કોઇના ઇશારા પર અને કોઇ દ્વારા કરાવવામાં આવી છે. નમાઝ અદા કરવી કોઇ ખોટી વાત નથી, મસ્જિદમાં જઇને તમે નમાજ અદા કરો. હિન્દુ સમાજ મંદિરમાં જઇને પૂજા અર્ચના કરે છે. આ તો વિદ્યાનું ધામ છે, તમે આને કેમ વિવાદમાં લાવો છો. અહીં દરેક ધર્મના લોકો ભણવા માટે આવે છે. તો આપણે બીજા ધર્મની લાગણી દુભાવવી ન જોઇએ. આવી ઘટનાઓથી તણાવ વધી શકે છે. ભૂતકાળમાં પણ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરવાની આવી ઘટનાઓ બની ચુકી છે. આ લોકોને બોલાવીને તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તો દાખલો બેસાડી શકાય.

આ મામલે શિવસેનાના પ્રવક્તા દીપક પાલકરે જણાવ્યું હતું કે, વડોદરા શિવસેના આ ઘટનાને ગંભીરતાથી લઇ રહી છે અને રબર સ્ટેમ્પ બનેલા વાઇસ ચાન્સેલર છે. એમને કહી રહ્યા છીએ કે, આ લોકો ઉપર કડક એક્શન લે. આ પ્રકારની ઘટના ત્રીજી વખત બની છે. આ ઇરાદાપૂર્વક થયું છે, તે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. જ્યારે એડમિશન લેતા હોય ત્યારે જ બાંહેધારી પત્ર લેવામાં આવવું જોઇએ કે, આ પ્રકારની કોઇપણ પ્રવૃતિ કરવામાં આવશે તો તમને તાત્કાલિક કોલેજમાંથી રસ્ટીગેટ કરવામાં આવશે. આજ દિવસ સુધી રબર સ્ટેમ્પ બનેલા વીસીએ કોઇ પરિપત્ર બહાર પાડ્યો નથી. વિજિલન્સની પણ આ ઘટનામાં ગંભીર બેદરકારી સામે આવી છે. વિજિલન્સ સ્ટાફ જ્યાં બેસે છે, તેનાથી થોડાક અંતરે જ આ ઘટના બની છે, જેથી વિજિલન્સ સ્ટાફ પણ ઊંઘતો ઝડપાયો છે.

આઠ મહિના પહેલા જ એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની દ્વારા નમાઝ પઢવામાં આવી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ લોબીમાં નમાઝ પઢી હતી. તે સમયે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી કાર્તિક જોષીએ યુનિવર્સિટી સત્તાધીશો પાસે તપાસની માગણી કરી હતી. તે સમયે તપાસ કમિટી પણ બની હતી અને સિક્યોરિટી ચેકિંગ કડક કરાયું હતું. ત્યારબાદ સિક્યોરિટી દ્વારા ધ્યાન અપાતું નથી.