એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે, બાયો ટોઇલેટ, CCTV સહિતની સેવાઓથી ટ્રેનને સજ્જ કરવામાં આવી
ગુજરાતનાં લોકોને વધુ એક મેમુ ટ્રેનની ભેટ મળી છે. રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે વડોદરા-દાહોદ મેમુ ટ્રેનને આજે સવારે 9.50 વાગ્યે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન દરેક નાનાં-નાનાં સ્ટેશનો કવર કરશે. 950 મુસાફરની કેપેસિટી સાથે 1100 જેટલા લોકો ઊભા ઊભા મુસાફરી કરી શકશે. રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ અને સાંસદ રંજનબેન ભટ્ટ આજરોજ વડોદરા-દાહોદ મેમુને સવારે પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનમાં કેટલીક વિશેષ સુવિધા મુસાફરોને જોવા મળશે, જેમાં મુંબઈની સમર્પણ ટ્રેનની જેમ એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે, સીસીટીવી કેમેરા અને બાયો ટોઇલેટની સુવિધા છે. આ ટ્રેન 12 કોચ સાથે ચલાવાશે. જેમાં એક મહિલા સ્પેશિયલ કોચ પણ સામેલ હશે. આ ટ્રેનની મેક્સિમમ સ્પીડ 110 કિ.મી.ની રહેશે.
ટ્રેનના સમય અંગે વડોદરા ડિવિઝનના ડીઆરએમ જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 26મી સપ્ટેમ્બરના રોજ ટ્રેન 09115 વડોદરા-દાહોદ મેમુ વડોદરાથી સવારે 9:30 વાગ્યે ઊપડશે અને બપોરે 13:25 વાગ્યે દાહોદ પહોંચશે. નિયમિત સેવા તરીકે, ટ્રેન નં. 09105 (ઓરિજિનલ ટ્રેન 69223) વડોદરા-દાહોદ મેમુ 27 સપ્ટેમ્બર, 2023થી દરરોજ સવારે 8:45 કલાકે વડોદરાથી ઊપડશે અને બપોરે 12:45 કલાકે દાહોદ પહોંચશે. બદલામાં, ટ્રેન 09106 (મૂળ ટ્રેન 69234) દાહોદ- વડોદરા મેમુ દાહોદથી દરરોજ 15:50 કલાકે ઊપડશે અને 19:55 કલાકે વડોદરા પહોંચશે.
આ ટ્રેનની ખાસ વિશેષતા એ છે કે આ ટ્રેનમાં સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેથી આ ટ્રેન વીજળી ઉત્પન્ન કરશે, જેથી 30 ટકા જેટલી વીજળીની બચત થશે. આ સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે, બાયો ટોઇલેટ, CCTV સહિતની સેવાઓથી ટ્રેનને સજ્જ કરવામાં આવી છે.