વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન: મહિલાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું

Modi

ખુલ્લી જીપમાં મહિલાઓ વચ્ચે અભિવાદન ઝીલ્યું, સ્ટેજ પર પીએમ મોદી, પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત
સાયન્સ સિટી ખાતે યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી કરવામાં આવશે

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામત જાહેર કર્યા પછી તેઓ પહેલીવાર અહી આવી રહ્યા છે. બે દિવસીય મુલાકાત અંતર્ગત અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, પ્રોટોકોલ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાણી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને કાર્યકર્તાઓનું અભિવાદન જીલ્યું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ જીપમાં સવાર હતા. ભાજપ મહિલા મોરચા દ્વારા પીએમ મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસો.ની મહિલા તબીબો પણ પ્રધાનમંત્રીને આવકારવા પહોંચી છે. મહિલા આરક્ષણ બિલને સમર્થન જારી કરતાં બેનર સાથે શહેરની અગ્રણી મહિલા તબીબો પહોંચી છે. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય બાબુ જમના, ધારાસભ્ય અમિત ઠાકર અને નેતા નરહરિ અમીન પણ પહોંચ્યા. રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. દરમિયાનમાં ભાજપના સંગઠન સાથે બેઠક યોજે તેવી પણ શક્યતા છે.

મહિલા અનામત અંગે બિલ પસાર થતા મહિલાઓ પીએમનું અભિવાદન કરવા પહોંચ્યા. એરપોર્ટ બહાર ગુજસેલ પાસે સ્ટેજ બનાવવામાં આવ્યું છે. નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી છે. સ્ટેજ પર અત્યારે માત્ર મહિલા નેતાઓને જ સ્થાન આપવામાં આવ્યું છે. મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા, અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા, નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણી, ઠક્કરબાપા નગરના ધારાસભ્ય કંચન રાદડીયા, જિલ્લા પંચાયત પ્રમુખને સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા અને અલ્પેશ ઠાકોર સાથે આવ્યા, કાર્યક્રમ સ્થળ ખીચોખીચ મહિલાઓથી ભરાયું છે. કાર્યક્રમમાં મહિલાઓએ ગરબા પણ કર્યા અને સાઈરામ દવેએ હનુમાન ચાલીશ કરાવી. મહિલા અનામત બિલને સંસદમાં મંજૂરી મળી તે માટે PM મોદીનો આભાર વ્યક્ત કરવા સાથે મહિલાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

તમામ માતા બહેનોને નમન કરતા કહ્યું, માતા બહેનોના આશીર્વાદ મળે તેનાથી મોટી સૌભાગ્ય શું હોય, અહીંયા આવ્યા અગાઉ હું આખો દિવસ યુવાઓ સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજર હતો, આજે મને તમારા બધાના મોઢા પર ખુશી જોવા મળી રહી છે, તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી દીકરાને મોકલ્યો તે દીકરાએ કામ કર્યું, આ સપનું વર્ષો અગાઉ ગુજરાતની ધરતીથી આપણે જોયું હતું, આજે તે સંકલ્પ સાથે હું આવ્યો છું. હંમેશની જેમ તમે રક્ષાબંધન પર ઘણી રાખડીઓ મળી હતી, અમારા ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મે પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલા તો કહેવાય નહી. નારી શક્તિ વંદન અધિનિયમ મારી બહેનોની સપનાના પુર થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે, હું તમને બધાને બિલ પાસ થવાની શુભેચ્છાઓ આપૂ છું, બહેન, દીકરીઓ તમે જાણો છો આઝાદી પછી નારી શક્તિ સાથે ન્યાય નથી થયો, કોઈનો એક હાથ કે પગ બાંધો તો તમે તેનાથી શું આશા રાખી શકો.

CM ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા કહ્યું કે, નીતિ સાફ, નિયત નેક હોય તો સારા કામ થાય છે, મોદી સાહેબે નીતિથી કામ કર્યું છે, ટ્રીપલ તલાક, 370 અને હવે અનામત ત્રણેય નિર્ણય તેમના કાર્યકાળમાં થયા છે. અમૃત કાળમાં સૌના પ્રયાસથી ભારતને વિકસિત કરવાનું આ પગલું છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે કમિટમેંટ પૂરું થયું છે.

સીઆર પાટીલે તમામ બહેનોને વંદન કરી સભાને સંબોધતા કહ્યું, દેશમાં મોટી સંખ્યામાં બહેનો છે, બહેનો સાથે કોંગ્રેસે અન્યાય કર્યો છે, અનેક વખત મહિલા અનામત બિલ લાવીને તેનું અપમાન કર્યું છે. આજે બધો અન્યાય દૂર થયો છે. મોદી સાહેબની નીતિ અને નિયત છે બહેનોને લાભ મળવો જોઈએ. દેશની બહેનોને અધિકાર મળે તે માટે મોદીએ પ્રયત્ન કર્યા, દરેક પાર્ટીના સાંસદોએ મોદીને સમર્થન આપવું પડ્યું, સમર્થન ન આપે તો બહેનોની નજરમાં ગુનેગાર બની જાય, બહેનોને અધિકાર આપવાનું કામ મોદી સાહેબે કર્યું છે, આપ સૌ અભિનંદન આપવા આવ્યા છો, કાર્યક્રમ પછી પહેલી વખત મોદી અમદાવાદમાં પ્રવાસે છે, બહેનો પર વિશ્વાસ છે કે મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરશે.

આવતી કાલે અમદાવાદ અને છોટા ઉદેપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને પ્રજાલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે. બુધવારે બોડેલી અને વડોદરા ખાતે 400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે 10 વાગ્યે સાયન્સ સિટીમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં મોદી અત્યાર સુધીની વાઈબ્રન્ટ ગુજરાત સમિટની એડિશનમાં કામ કરી ચૂકેલા રાજ્ય સરકારના અધિકારીઓને સન્માનિત કરશે. અમદાવાદના પ્રથમ મહિલા મેયર ભાવના દવેએ જણાવ્યું હતું કે, અમે 33 ટકા અનામત માટે ભૂતકાળમાં માંગણીઓ કરી હતી. હું સાંસદ હતી ત્યારે અન્ય મહિલા સાંસદ સાથે મળીને અટલજીને રજૂઆત કરવા ગયા હતા. આજે વડાપ્રધાને અમારો અવાજ સાંભાળ્યો છે અને 33 ટકા અનામત બિલ આવ્યું છે જેનો અમને આનંદ છે. આજે અમે વડાપ્રધાનના સ્વાગત અને અભિવાદન માટે ભેગા થયા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દાહોદ નગરની જળ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ થકી દાહોદ નગરની જળ વ્યવસ્થાપન અને વિતરણ વ્યવસ્થા આધુનિક ટેક્નોલોજીના વિનિયોગથી વધુ સુદ્રઢ બનશે. બોડેલી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

27મી સપ્ટેમ્બરે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના પ્રવાસે આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષણ ક્ષેત્રે દાહોદ વધુને વધુ હરણફાળ ભરે તે માટે જવાહર નવોદય વિદ્યાલયની અમૂલ્ય ભેટ આપશે. જેનાથી શિક્ષણ ક્ષેત્રે દાહોદની ગૌરવભેર યાત્રા આગળ વધશે. દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો રૂ. 117 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે અને તે પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.

27મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છોટા ઉદેપુર જિલ્લા ખાતે ₹5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે ₹60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ₹277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, ₹251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ ₹80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે ₹23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ ₹10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.