ચોર ટોળકીએ એક-બે નહી પણ 25 કરોડની ચોરીને આપ્યો અંજામ
દેશભરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ચોરીની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. દિલ્હીમાં ચોર ટોળકીએ અત્યાર સુધીનો સૌથી મોટી ચોરીને અંજામ આપ્યો હોવાના સમાચાર મળ્યા છે.
મળેલ માહિતી મુજબ, દિલ્હીનાં જંગપુરા વિસ્તારમાં આવેલ જ્વેલરી શોપમાંથી 25 કરોડ રુપિયાના ઘરેણા અને હીરા જવેરાતની ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ છે. ચોર ટોળકીએ ઉમરાવસિંહ જ્વેલર્સના શોરૂમને નિશાનો બનાવ્યો. માનવામાં આવે છે કે ચોર શો રૂમની છત અને દિવાલ કાપીને શોરૂમમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ લોકર સુધી પહોંચી અને તેમાં રાખેલા તમામ દાગીના તેમજ સોનું, હીરા અને ઝવેરાતની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. હાલમાં પોલીસ દ્વારા દુકાન તથા આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
આ અંગે શોરૂમના માલિક સંજીવ જૈને જણાવ્યું હતું કે, રવિવારે દુકાન બંધ કરી હતી અને મંગળવારે સવારે જ્યારે દુકાન ખોલી તો અમને આખી દુકાનમાં ધૂળ જ જોવા મળી હતી. તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ચોરોએ સ્ટ્રોંગરૂમની દિવાલમાં બાકોરુ કરીને કિમતી સામાનની ચોરી કરી હતી. 5-7 લાખની રોકડ રૂપિયા સહિત 20 થી 25 કરોડના દાગીના અને ઝવેરાત ચોરી ગયા હતા. વધુમાં જણાવ્યું કે ચોરોએ સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું છે.
મંગળવારે સવારે આ ચોરીની ઘટનાની માહિતી મળતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન ફિંગર પ્રિન્ટ અને ફોરેન્સિક સાયન્સ ટીમના નિષ્ણાતો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે ટીમને શંકા છે કે ચોરી રવિવારે રાત્રે થઈ હતી. શોરૂમની દિવાલ તોડીને ચોર અંદર પ્રવેશ્યા હતા, જ્યાં તેઓએ સ્ટ્રોંગ રૂમમાં રાખેલા કરોડોના દાગીનાની ચોરી કરી હતી.