લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના સિનિયર નેતાઓને બેઠકોની જવાબદારી સોંપાઈ

congress - mukul vasnik

પ્રભારી મુકુલ વાસનિક સાથે ૩૩ જિલ્લા અને આઠ મહાપાલિકાના કોંગ્રેસ પ્રમુખોની બેઠક

લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં આવી રહી છે. અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. તેઓએ ૨૬ લોકસભાની બેઠકોની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતાઓને સોંપવામાં આવી છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને છોટા ઉદેપુર અને ભરૂચ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ તેમજ સાબરકાંઠા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. સિદ્વાર્થ પટેલને ખેડા, આણંદ અને મહેસાણા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. અર્જૂન મોઢવાડિયાને બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છ જિલ્લાની જવાબાદારી સોંપાઈ છે. ભરતસિંહ સોલંકીને પંચમહાલ, વડોદરા, નવસારી અને સુરત જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. અમિત ચાવડાને ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની તો પરેશ ધાનાણીને ગાંધીનગર, પાટણ, પોરબંદર અને જામનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. સુખરામ રાઠવાને દાહોદ, બારડોલી અને વલસાડ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના આ નેતાઓ પોતાને સોપવામાં આવેલી બેઠકના પ્રવાસ કરશે અને રાજકીય ગતિવિધિઓ કેવી ચાલી રહી છે તેનું અનુમાન કરશે અને પ્રભારીને રિપોર્ટ પણ કરશે. કઈ બેઠક ઉપર કેવી ફાઈટ છે અને કોંગ્રેસ તરફી કેવું વાતાવરણ છે તેનો ક્યાશ પણ આ નેતાઓ કાઢશે.