રાજકોટમાં ગણેશ વિસર્જન વખતે ડૂબી જતા મામા-ભાણેજના મોત

ganesh visarjan

એક જ પરિવારના બે લોકોના મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું

રાજકોટમાં ગણેસ વિર્સજન કરતા સમયે ડૂબી જતા મામા-ભાણેજના મોત થયા છે. સમગ્ર દેશમાં 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 10 દિવસ સુધી ચાલનારા આ પર્વનો આજે 5મો દિવસ છે. છેલ્લા 2 દિવસથી વડોદરામાં ગણપતિ વિસર્જન વખતે મોતના સમાચાર સામે આવતા હતા. હવે રાજકોટમાંથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગણેશ વિસર્જન કરતા સમયે આજી ડેમમાં ડૂબી જવાથી મામા-ભાણેજના મોત નીપજ્યા છે. જેનો અંતિમ ક્ષણનો વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી મણિનગર સોસાયટીનું મંડળ ગણેશ વિસર્જન માટે આજી ડેમ ગયા હતા. આ દરમિયાન 3 જણા પાણીની વચ્ચોવચ્ચ શ્રીજીની પ્રતિમાને લઈને વિસર્જન કરવા પહોંચ્યા હતા. જ્યાં વિસર્જન દરમ્યાન બે જણા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. તપાસમાં મૃતકની ઓળખ રામભાઈ (33) અને હર્ષ (19) તરીકે થઈ છે, જે સબંધમાં મામા-ભાણેજ થય છે. આમ એક જ પરિવારના બે લોકોના મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળના અંતે બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ તો મામા-ભાણેજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાનો એક મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, રામભાઈ અને તેનો ભાણેજ હર્ષ અન્ય એક વ્યક્તિ સાથે ગણપતિ બાપાની મૂર્તિ લઈને આજી ડેમમાં વિર્સજન માટે ઉતરે છે, પાણીમાં ચાલતા ચાલતા 80થી 100 ફૂટ જેટલા દૂર ઊંડા પાણીમાં જતા દેખાય છે. દૂરથી એક મહિલા બોલી રહી છે કે, 3 વખત ડૂબકી મરાવજો અને પછી ગણપતિને પધરાવજો. બાદમાં ઊંડા પાણીમાં જેવા ગણપતિબાપાની મૂર્તિ વિસર્જન કરે છે ત્યારે ત્રણેય ડૂબવા લાગે છે. પરંતુ રામભાઈ અને હર્ષ ડૂબવા લાગે છે જ્યારે ત્રીજી વ્યક્તિ તરીને બહારની તરફ આવી જતી દેખાઇ છે એટલે તે બચી જાય છે. જ્યારે રામભાઈ અને હર્ષ પાણીમાં બચવા માટે પ્રયાસ કરે છે પણ ત્યાં સુધીમાં તેઓ પાણીમાં ગરક થઈ જાય છે અને બન્નેના ડૂબી જતા મોત નિપજે છે.