જનરેટર કોચમાં આગ લાગ્યા બાદ પેસેન્જર કોચમાં પણ ફેલાઈ, ચાલુ ટ્રેનમાં આગ લાગતાં અફરાતફરી
વલસાડ રેલવે સ્ટેશન પર આજે શ્રીનગર તરફ જતી હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના એન્જિન પછીના જનરેટર કોચ અને B1 કોચમાં આગ લાગી હતી. જનરેટર કોચમાં આગ લાગ્યા બાદ પેસેન્જર કોચમાં પણ ફેલાતાં અફરાતફરી મચી હતી. ચાલુ ટ્રેનમાં આગ લાગ્યા બાદ વલસાડ રેલવે વિભાગની ટીમે ટ્રેનને તાત્કાલિક સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે રેલવે વિભાગની આપાતકાલીન ટીમ અને વલસાડ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસન્જરે જણાવ્યું કે, ટ્રેન વલસાડ સ્ટેશનેથી નિકળી ત્યારે ટ્રેનના આગળના ભાગમાં ઘૂમાડો નીકળી રહ્યો હતો, સૌ પ્રથમ ટ્રેનના એન્જીનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી, જે બાદ આગ ટ્રેનના B1 ડબ્બા સુધી ફેલાઈ ગઈ હતી. થોડીવાર માટે ગભરાટનો માહલો જરૂર ઉભો થયો હતો. રેલવે કર્મીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. રેલવે વિભાવના CPRO સુમિત ઠાકુરે જણાવ્યું કે, એકથી દોઢ કલાકની અંદર આગ પર સંપૂર્ણ પણે કાબૂ મેળવી લેવાયો હતો. મુસાફરોને તાત્કાલીક ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યાં હતા. મુસાફરોએ પોતાનો જેટલો સામાન લઈ શકતા હતા તેટલો સામાન બહાર કાઢી લીધો હતો, જોકે, તેમ છતાં કેટલાયનો સામાન અંદર ટ્રેનમાં જ પડ્યો હતો. એક પણ મુસાફરને ઈજા પહોંચી નથી. મુસાફરોને કઈ તકલીફ ન પડે તે માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ કોચને ટ્રેનમાંથી હટાવવામાં આવ્યો છે અને નવા એન્જીન સાથે ટ્રેનને રવાના કરવામાં આવી છે.